સુરત: ભારત તેમજ ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં સુરત જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 546 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 મોત સાથે મૃત્યાંક 19 પર પહોંચ્યો છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે કેસ નોંધાયા છે.
જિલ્લામાં કોરોના વાઈરસના 525 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જયારે 2 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. વધુ નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં કોરોના વોરિયર પણ સામેલ છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની કેસ બારી પર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સંકેત મરાઠેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના લીંબાયત પોલીસ મથકના હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા સંજય પાટીલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પીઓસો તરીકે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
સુરતમાં હત્યાના આરોપી ચાંદ ખાન પઠાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 દિવસ પહેલા હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સલાબતપુરા પોલીસ તંત્ર દોડતું થયું છે. પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓ તેના સંપર્કમાં હતા. આ તમામ પોલીસ જવાન સિવિલ હોસ્પિટલ રિપોર્ટ કઢાવવા પહોંચ્યા હતા.
જ્યારે એક ખાનગી તબીબ, સિવિલ હોસ્પિટલની નર્સ અને પ્યૂન તેમજ લોકડાઉનમાં બંદોબસ્તની ડ્યૂટી બજાવી રહેલા વધુ બે એસઆરપી જવાન અને એક હોમગાર્ડનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. તંત્ર દ્વારા અહી સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે લોકોને અપીલ છે કે, તેઓ ઘરમાં રહે, કારણ વગર ઘરની બહાર ન નીકળે અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરે.