સુરતઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા બે મહિનાની વાત કરીએ તો સુરતમાં કોરોના વાઇરસના કારણે જે મૃત્યુ આંક છે તે સતત વધી રહ્યા છે. આ મૃત્યુઆંકમાં ફ્રન્ટલાઈન વૉરિયર તરીકે કામ કરી રહેલા તબીબો તેમજ નર્સનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી ફક્ત સરકારી હોસ્પિટલમાં કામ કરતા તબીબોના પરિવારજનોને આ સહાયની રકમ મળતી હતી, જ્યારે ખાનગી હોસ્પિટલના તબીબની કોઈપણ પ્રકારની સહાય મળતી ન હતી. થોડા દિવસ પહેલાં જ મનપા કમિશ્નર તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધિકારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો માટે રૂપિયા 50 લાખનો વીમા કવર આપવા માટેનો મુદ્દો ઉઠ્યો હતો.
જો કે, રાજ્ય સરકાર તરફથી આ વીમો આપવા માટે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અગાઉ આઈ.એમ.એ. ગુજરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે, ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો કે જે કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે તેઓ જો ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થાય અને મૃત્યુ પામે તો તેમના પરિવારને પણ 50 લાખના વીમા કવરની રકમ આપવામાં આવે. જો કે આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાંં આવી ન હતી.
હાલમાં આ બેઠક બાદ ફરીથી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખે ગાંધીનગરમાં બેઠકનું આયોજન હાથ ધર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા આવા તબીબો માટે વીમા રકમ આપવાની જાહેરાત કરી છે. સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલમાં કામ કરતાં તબીબોને આ વીમા કવરમાં આવરી લેવાયા છે. આ માટે સુરતમાં ત્રણ ડૉક્ટર ડૉ. દિપક કોરાવાળા, ડૉ.વિનેશ શાહ અને ડૉ. પરેશ મુનશીની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી મૃત્યુ પામનારા તબીબોના પરિવારને વીમાની રકમ આપવા માટે મદદ કરશેય
બીજી તરફ બી.એ.એમ.એસ તથા બી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવનાર ડૉક્ટરો માટે તેમના એસોસિએશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જરૂરી દસ્તાવેજ એકઠા કરી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને આપવામાં આવશે, ત્યારબાદ આ તમામ કાગળો રાજ્ય સરકાર અને ત્યારબાદ કેન્દ્ર સરકારને મોકલી આપી વીમા રકમ અપાવવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.