સુરત : છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે. એક દિવસ પહેલા ED ની કાર્યવાહીમાં CM ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યા બાદ ભાજપ પક્ષ આક્રમક બન્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, મહાદેવ એપ સટ્ટાબાજીના કેસમાં કોંગ્રેસના નેતાઓના નામ સામે આવ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે. ભૂપેશ બઘેલને નૈતિકતાના આધારે ચૂંટણી લડવાની ના પાડી દેવી જોઈએ.
કોંગ્રેસ પર આક્ષેપ : સુરત ભાજપ કાર્યાલય ખાતે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ED ની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ED ને માહિતી મળી હતી જેમાં મહાદેવ એપના પ્રમોટર્સ કોંગ્રેસને રોકડ આપવાનું વિચારી રહ્યા છે. આ અંતર્ગત છત્તીસગઢના અસીમ દાસની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અસીમ દાસે ED સમક્ષ કબૂલાત કરી છે કે, આ પૈસા ભૂપેશ બઘેલને આપવાના હતા.
ED ની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. શું ચૂંટણી લડવા માટે આવતા સટ્ટાબાજીના પૈસા યોગ્ય છે ? નૈતિકતાના આધારે ભુપેન્દ્ર બઘલે ચૂંટણી લડવાની ના પાડવી જોઇએ. -- સી. આર. પાટીલ (ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ)
CR પાટીલના આકરા સવાલ : સી.આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે, ED એ અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે અને 475 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ભાજપે કોંગ્રેસને સવાલ કર્યો છે કે, પ્રમોટર અસીમ દાસ પાસેથી 5.69 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. શું અસીમ દાસ પાસેથી મળેલા આ પૈસા લેવામાં આવ્યા તે હકીકત છે ? શું ભૂપેશ બઘેલને વોઇસ મેસેજ દ્વારા પૈસા મોકલવા માટેની વાત કરવામાં આવી છે તે યોગ્ય છે ? કોંગ્રેસે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શું ચૂંટણી લડવા માટે આવતા સટ્ટાબાજીના પૈસા યોગ્ય છે ? નૈતિકતાના આધારે ભુપેન્દ્ર બઘલે ચૂંટણી લડવાની ના પાડવી જોઇએ.