- બારડોલી અને મઢીમાં કાગડાના મોત બર્ડફ્લૂથી થયા હોવાનું સામે આવ્યું
- વધુ પક્ષીઓના મોતથી તંત્રની ચિંતા વધી
- વન વિભાગે મૃતદેહોનો કબ્જો લઈ તપાસ શરૂ કરી
સુરત : જિલ્લાના બારડોલીમાં બર્ડ ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા હોવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પક્ષીઓના મરવાનો અહવાલો મળી રહ્યા છે.બારડોલી તાલુકાના બાબેન ખાતે આવેલી લેકપેલેસ સોસાયટીમાં એક ઘુવડનું પણ ભેદી સંજોગોમાં મોત થયું હતું. બીજી તરફ બારડોલી તાલુકાનાં માહયાવંશી મહોલ્લામાંથી પણ એક કાગડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત પલસાણા તાલુકામાંથી પણ એક કાગડો મૃત મળી આવ્યો હતો. ત્રણયે પક્ષીઓના મૃતદેહ વનવિભાગે કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
તંત્ર દ્વારા આવશ્યક પગલાઓ લેવામાં આવી રહ્યા છે
ગત દિવસો દરમિયાન મઢીની રેલ્વે કોલોની અને બારડોલીના મેમણ કબ્રસ્તાનમાંથી મળી આવેલા કાગડાના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ હતું. ત્યાર બાદથી બારડોલી અને મઢીના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા આવશ્યક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજી પણ તાલુકામાં છૂટછવાયા પક્ષીઓના એમાં પણ ખાસ કરીને કાગડાઓના મોત થઈ રહ્યા છે.
બારડોલીના માહ્યાવંશી મહોલ્લામાંથી મળ્યો મૃત કાગડો
બારડોલીના માહયાવંશી મહોલ્લામાં એક ઘરની અગાસી પરથી એક મૃત કાગડો મળી આવ્યો હતો. જેની જાણ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમને થતાં તેમણે વનવિભાગ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને કાગડાના મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
બાબેનમાંથી મળી આવ્યું ઘુવડ
બારડોલી તાલુકાના બાબેનગામે લેક સિટીમાં એક ઘરના વાડામાં એક ઘુવડ બીમાર હાલતમાં પડ્યું હોવાની જાણકારી ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમને મળી હતી. જે આધારે ટીમના સભ્ય ત્યાં પહોંચી ઘુવડને રેસક્યું સેન્ટર પર લઈ જવાયું હતું. જ્યાં ઘુવડની ચાંચમાંથી લોહી નીકળ્યા બાદ તેનું મોત થયું હતું. ઘુવડનો કબ્જો વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
પલસાણામાંથી પણ કાગડો મૃત હાલતમાં મળી આવ્યો
બીજી તરફ સુરતના પલસાણામાંથી પણ એક કાગડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે જાણકારી મળતા જ ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી મૃત કાગડાનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.