સુરત: પાંડેસરા સ્થિત 120 ફૂટ બમરોલી રોડ પર વહેલી સવારે સફાઈ કામકાજ કરી રહેલા પાલિકાના સફાઈ કર્મી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. રાજ નામનો સફાઈ કર્મી પાલિકા કચેરીમાં ફરજ બજાવે છે અને આજ રોજ તે બમરોલી રોડ પર સફાઈ કરી રહ્યો હતો.જે વેળાએ મોટર સાયકલ પર આવી ચઢેલા બે શખ્સોએ ઉપરાછાપરી છાતીના ભાગે ઘાતક હથિયાર વડે ઘા ઝીંકી ગંભીર ઇજા પોહચાડી હતી.
ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે ગભરાયેલા શખ્સો પોતાની મોટર સાયકલ અને ઘાતક હથિયાર સ્થળ પર ફેંકી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર પોહચેલી પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સફાઈકર્મીને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.
પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી અને મોટરસાયકલના રજીસ્ટ્રેશનના આધારે આરોપીઓને શોધી કાઢવા કવાયત શરૂ કરી છે. જો કે આ ઘટનામાં અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.