સુરત પોલીસ કમિશ્નર કચેરીએ રજુઆત માટે આવેલા વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓએ જણાવ્યું હતું કે, લાભ પાંચમથી મોટાભાગના એકમો શરૂ થઈ જાય છે.લાભ પાંચમના દિવસે ચૌદ જેટલા એકમો શરૂ કરવામાં આવ્યા હતા. પરતું કેટલાક કારીગરોના વેશમાં અસામાજિક તત્વોએ પ્રતિ મીટરે પંદર પૈસાના વધારાની માગ કરી રહ્યા હતા.
આજના કપરા સમયમાં પણ કારીગરોને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ રોજગારી આપી રહ્યું છે. ત્યારે આ પ્રમાણેની માંગણી યોગ્ય નથી. લાભ પાંચમ બાદ મોટાભાગના એકમો હાલ બંધ છે. અસામાજિક તત્વો દ્વારા કામે આવતા કારીગરોને ધાક- ધમકી આપી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
લસકાના અને ડાયમંડ નગર સોસાયટીના એકમોને બાણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા તત્વો સામે કાર્યવાહીની માગ સાથે સુરત પોલીસ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા તેઓને યોગ્ય આશ્વાસન આપવામા આવ્યું હતું. અને વિના સંકોચે એકમો શરૂ કરી દેવા જણાવ્યું હતું.