સુરતઃ શહેરના પુણા વિસ્તારમાંથી ત્રણ માસ પહેલા શેમ્પુ લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 14 વર્ષીય તરુણી અંકલેશ્વરથી મળી હતી. પિતાને અચાનક ફોન કરી હું ફસાઈ ગઈ છું. તેવી વાત કરનાર તરુણીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી પુછપરછ કરતા તેણે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, માતાપિતા સાથે ખટરાગ બાદ ઘરેથી ચાલી ગયા બાદ ઝાકીર નામનો યુવાન ફોસલાવી લઇ ગયો હતો અને દેહવ્યાપાર કરાવતો હતો. પોલીસે તરૂણીનું તબીબી પરીક્ષણ કરાવી તેનું કાઉન્સેલિંગ કરાવી વધુ પુછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન તરુણીએ જણાવ્યું હતું કે, તેનો પ્રેમી મુંબઈમાં રહે છે અને તે ઘરે તેમજ પ્રેમીને જાણ કર્યા વિના તેને મળવા મુંબઈ પહોંચી ગઈ હતી.
સુમૈયા ઝાકીર અને ઐયુબની સાથે મળી તરુણી પાસે દેહવ્યાપાર કરાવતા હતા. પુણા પોલીસે ઝાકીર બાદ ઐયુબ અને સુમૈયાના નામ ખુલતા તેમની પણ શોધખોળ આદરી હતી. તે દરમિયાન, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર રોશન સોસાયટી ખાતેથી જાકીર અહેમદ ઈસ્માઈલ તરકી અને તેની પત્ની સના ઉર્ફે સુમૈયાની ધરપકડ કરી હતી. બંનેની પુછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, તેમણે તરૂણીને પોતાના મકાનમાં રાખી હતી અને તેની પાસે દેહવ્યાપાર કરાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબ્જો પુણા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે. તપાસના અંતે અનેક ખુલાસા થાય તેવી શકયતા છે.