સુરત: મગદલ્લા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. ટેમ્પો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ વર્ષીય બાળકી સાથે અન્ય લોકોને પણ ઈજા થઈ હતી. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
ટેમ્પાએ પલટી મારતાં અકસ્માત: સુરત શહેરના સીટી લાઈટ વિસ્તાર ખાતે આવેલા ગાયત્રી મંદિર નજીક રહેતા શંભુ પરમાર ભંગારનો ધંધો કરે છે. તેઓ ટેમ્પોમાં ભંગાર ભરી વેચવા માટે નીકળ્યા હતા. શંભુ સાથે તેમની ત્રણ વર્ષની દીકરી પણ સાથે હતી. તેઓ ટેમ્પાની આગળ બેઠા હતા. મગદલ્લા રોડ પર સવારે ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન અચાનક જ રીક્ષા સાથે અકસ્માત થતા ટેમ્પો પલટી મારી ગયો હતો.
બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત: ટેમ્પોની અડફેટે બાદ બીજો ટેમ્પો પલટી મારી જતા બાળકીને ગંભીર ઈજાઓ થઇ હતી જે બાદ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને મૃત જાહેર કરાઈ હતી. અકસ્માતની આ ઘટનામાં મજુરી કામ કરતા પરિવારના ચાર સભ્યો અને અન્ય બાળકને પણ સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
મહત્વનું છે કે શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે, હાલ તો આ મામલે પોલીસ દ્બારા ઘટના સ્થળે પહોચીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.