સુરત : સુરત શહેરના કોર્ટ વિસ્તારમાં મા અંબાનું અતિહસિક મંદિર આવેલું છે. જેમાં શ્રદ્ધાળુઓની અતુટ આસ્થા જોવા મળે છે. નવરાત્રી પર્વ પર અહીં ઘટસ્થાપના થાય છે. અહીં ઉગાડાયેલા જુવાર અને ગઢના પાણીને તો ચમત્કારીક માનવામાં આવે છે. માન્યતા છે કે આ પાણીથી ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે. આ પાણી મેળવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઊમટી પડતા હોય છે.
450 વર્ષ જુના અંબાજીના મંદિરની અનોખી મહિમા સુરત શહેરના કોર્ટ વિસ્તારમાં આવેલા 450 વર્ષ જુના અંબાજીના મંદિરની અનોખી મહિમા છે. અહીં ભક્તોની અટૂટ આસ્થા જોવા મળે છે. માતાજીની આસ્થા એવી છે કે અહીં 360 વર્ષ પહેલા પોતે છત્રપતિ શિવાજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા હતા. કહેવાય છે કે જ્યારે તેઓ હુમલાના ઇરાદે સુરત આવ્યા હતા ત્યારે આ મંદિરે પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. નવરાત્રિના નવ દિવસ અહીં પૂજા,હવન ધાર્મિક અનુષ્ઠાન થતું હોય છે.
આ પણ વાંચો કર્ણની ભૂમિ પર પ્રાચીન મંદિરમાં અંબાજી માતા પુષ્પોના ગરુડ પર સવાર
ધંધામાં પ્રગતિ થાય છે ભક્તો અહીં ચમત્કારીક પાણીની રાહ જોતા હોય છે કે જે ખાસ નવરાત્રીના આઠમના દિવસે ભક્તોને મંદિર પ્રશાસન તરફથી આપવામાં આવે છે. નવરાત્રીના પર્વ પર અહીં મંદિરની અંદર ઉગાડવામાં આવતી જુવાર પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. એટલું જ નહીં માતાજીને ચઢાવવામાં આવતું ચમત્કારીક પાણી પણ લોકો પોતાના ઘરે આઠમના દિવસે લઈ જતા હોય છે. કહેવાય છે કે આ પાણીના કારણે તેમના ધંધામાં પ્રગતિ થાય છે અને આ પાણી મેળવવા માટે લોકો લાઈનમાં ઊભા રહે છે.
64 ખંડનો પ્રસાદ લેવા માટે અગાઉથી નામ નોંધાવું પડતું હોય છે મંદિરના પૂજારી જતીનભાઇએ જણાવ્યું હતું કે , અમારે ત્યાં 64 ખંડની પરંપરા ચાલે છે. જેમાં બહેનો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે 64 ખંડમાં ભાગ લેતી હોય છે. 64 ખંડનો પ્રસાદ લેવા માટે અગાઉથી નામ નોંધાવું પડતું હોય છે. આમાં એ જ બહેનો બેસે છે જેમના લગ્ન થઈ ગયા છે પરંતુ સંતાન નથી, કોઈના લગ્ન થતા નથી, જે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. જે દર્શાવે છે કે આ મંદિરમાં લોકોની એટલી આસ્થા છે કારણ કે આ પરંપરા પૂર્ણ કરવાથી લોકોની માનતા પણ પૂર્ણ થાય છે.
શિવાજી મહારાજે પણ પૂજા અર્ચના કરી સાથે તેઓએ જણાવ્યું હતું કે, લગભગ 360 વર્ષ પહેલા છત્રપતિ શિવાજી મહારાજે જ્યારે સુરતમાં હુમલો કર્યો હતો ત્યારે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. જેનો ઇતિહાસમાં ઉલ્લેખ પણ છે. અહીં ઘટ સ્થાપના થાય છે અને ઘટનું પાણી હોય છે એ પ્રસાદરૂપી પાણી ચમત્કારી છે. લોકોને એની ઉપર વધારે વિશ્વાસ છે. કહેવાય છે કે આ પાણીથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ભક્તોની અટૂટ આસ્થા : 87 વર્ષના પલ્લવી વ્યાસે જણાવ્યું હતું કે, જ્યારથી પરણીને હું સુરત આવી છું ત્યારથી સતત સવારે મંદિરે માતાજીના દર્શન કરવા માટે આવું છું. આ ઉંમરે હું 11 સંસ્થામાં કાર્યરત છું અને ઘણું બધું સામાજિક કાર્ય કરું છું એની પાછળ માતાજીના આશીર્વાદ છે. જેટલી પણ આશા રાખી છે માતાજીએ તમામ પૂર્ણ કરી છે. જ્યારે પણ મુશ્કેલ સમય આવે છે ત્યારે તેમના ધ્યાનથી જ તે સમય સરળતાથી નીકળી જાય છે.