- ગત 26 તારીખના રોજ દુષ્કર્મના પ્રયાસ દરમિયાન ઝડપાઈ ગયો હતો
- ભોગબનનારના પિતા સહિત ત્રણ શખ્યોએ તેને પોલીસને સોંપ્યો હતો
- આરોપીએ અગાઉ ત્રણ વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપી
- હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી
બારડોલી: ગત 26 તારીખના રોજ નેશનલ હાઈવે નંબર 8 પર કઠવાડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સગીરાએ બૂમાબૂમ કરતા નજીકમાં કામ કરી રહેલા સગીરાના પિતા બૂમાબૂમ સાંભળી રૂમ પર આવી પહોંચ્યા હતા અને હવસખોરને પકડી લીધો હતો. હવસખોર નજીકના કઠવાડા ગામનો કલ્પેશ ઉર્ફે લાલો દીપક વસાવા હોવાનું બહાર આવ્યું હતું.
સગીરાના પિતા સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનો આરોપીએ લગાવ્યો આક્ષેપ કર્યો હતો
ઘટના બાદ સગીરાના પિતા તેમજ અન્ય ૨ વ્યક્તિએ આરોપીને કોસંબા પોલીસને સોંપ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ અગાઉ ત્રણ વખત સગીરા સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યાની પણ કબૂલાત આરોપીએ આપી હતી.
પોલીસે આરોપીની પણ ફરિયાદ લઈ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો
જોકે આરોપીની ફરિયાદને લઇ કોસંબા પોલીસ દ્વારા સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ
જેલમાં તબિયત ખરાબ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો
લાજપોર જેલ ખાતે આરોપીની તબિયત લથડતા આરોપીને સુરત સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયુ હતું. પોલીસના જણાવ્યાં અનુસાર જેલમાં તેને દુઃખાવો ઊપડતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પેટમાં આંતરિક ઇજા હોવાનું માલૂમ પડતાં બે ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનું મોત નીપજયું હતું.
આ પણ વાંચોઃ ચોકીદારને બંધક બનાવી પત્ની અને સગીરા સાથે નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મ
આરોપીને બાંધી માર મારતો વીડિયો પણ વાઇરલ થયો હતો
દુષ્કર્મની કોશિશની ઘટના બાદ આરોપીને દોરડાથી બાંધેલો હોઈ તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોલીસ તેની તપાસ કરી રહી હોવાનું PI પટેલે જણાવ્યુ હતું. મૃતકનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. આ રીપોર્ટ આવ્યા બાદ જ આરોપીના મોતનું સાચુ કારણ જાણી શકાશે. જેથી હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.