સુરત: શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 963 અને સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 58 થઇ છે. જેથી સુરતમાં અત્યાર સુધી 1021 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અત્યારસુધી કુલ 597 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જયારે કુલ 44 દર્દીના મૃત્યુ થયા છે. 62 ટકા રિકવરી રેટ થયો છે અને 4.6 ટકા મૃત્યુ દર છે.
કોરોના પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી છે. જ્યાં કુલ 371 કેસો થયા છે. હોટસ્પોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં સર્વેલન્સ માટે કુલ 1852 ટીમો કાર્યરત છે. 4 લાખ 84 હજાર કરતા વધુ ઘરોમાં 14 લાખ 84 હજાર કરતા વઘુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં વધુ કેસો નોંધાતા અહીં 40 ફિવર ક્લિનિક અને 227 વોશ બેસિનનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના જાગૃત્તિ માટે 75 પ્રચાર ગાડી મુકવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ દુકાનોમાં પૈસાની લેવડ-દેવડમાં એક અલગ પદ્ધતિથી કરવા અપીલ કરવામાં આવી છે. જેમાં લેવડ-દેવડ માટે બે બોક્સ દુકાનમાં રાખવામાં આવે. એક બોક્સમાં પૈસા ગ્રાહકો આપે તથા છુટ્ટા પૈસા માટે એક અલગ બોક્સ રાખવામાં આવે અને આ પૈસા દુકાનદાર 3 દિવસ સુધી સાવધાનીપુર્વક અલગ રાખે અને તેને સ્પર્શે નહીં. દરેક શાકભાજીના દુકાનદારો માસ્કનો ઉપયોગ કરે તથા સોશિયલ ડિસ્ટન્સ રાખે તથા શાકભાજી, માલ સામાનના નિશ્ચિત વજનના થેલા તૈયાર રાખવામાં આવે, જેથી વધુ ભીડ ન થાય. શહેરીજનો 31 મે સુધી જો વેરાબિલ ભરે તો 10 ટકા રિબેટ આપવામાં આવશે તથા ડિજિટલ પેમેન્ટમાં 2 ટકા વધુ રિબેટ આપવામાં આવશે.
વધુમાં સુરત જિલ્લામાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસોની સંખ્યા 58 હતી. કુલ 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 01 દર્દીનાં મૃત્યુ નોંધાયું છે.