સુરત: માનવતાને શરમસાર કરે તેવી ઘટના સુરત શહેરમાં બની છે માત્ર છ વર્ષની બાળકી પર મોબાઈલ ચોરીનો આક્ષેપ મૂકી તેને સાહિલ નામના વ્યક્તિએ સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી ડામ આપ્યા હતા. બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આરોપી સાહિલ સહિત ત્રણ લોકોની સચિન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું બની ઘટના?: સુરતના સચિન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષીય બાળકી રડતા રડતા જ્યારે ઘરે પહોંચી અને માતાએ જોયું તો ખબર પડી કે તેમના ઘરની નજીક રહેતા એક ઈસમે તે બાળકીને થાઈના ભાગે સેન્ડવીચ ગરમ કરવાની મશીનથી ડામ આપ્યા છે. આ અંગે માતાએ પાડોશમાં રહેતા અમને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને શંકા હતી કે બાળકી એ મોબાઇલની ચોરી કરી છે. બાળકીને ઈજા થતા હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે.
'સચિન સ્લમ બોર્ડમાં રહેતા એક શ્રમજીવી પરિવારની બાળકી પર બાજુમાં રહેતા સાહિલ નામના વ્યક્તિએ આક્ષેપ મુક્યો હતો કે બાળકીએ તેણીનો મોબાઈલ ફોન ચોરી કર્યો છે. એ બાબતે પૂછપરછ માટે બાળકીને પોતાના ઘરે લઇ જાય છે. બાળકીના પરિવારજનોના જણાવ્યા મુજબ આરોપી સાહિલ તેની પત્ની અને તેની માતાએ બાળકીને થાઈના ભાગે સેન્ડવીચ ગરમ કરવાની મશીનથી ડામ આપ્યા છે. આ બાબતે બાળકીની માતાની ફરિયાદ લઈને જે ત્રણેય લોકોના નામ આપ્યા છે તે તમામ આરોપીઓને ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.' -આર.એલ.માવાણી, એસીપી
બાળકી સારવાર હેઠળ: બાળકી પર ચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો અને બાદમાં બાળકીને પૂછપરછ માટે રૂમમાં લઇ જઈને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. બીજી તરફ બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જ્યાં બાળકીની હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં બાળકીની માતાએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.