રાજ્ય માર્ગ પરિવહન પ્રધાન આર.સી.ફળદુએ મહત્વની જાહેરાત આજે કરી હતી. પરિવહન પ્રધાને વાહન ચાલકોને 27 દિવસ સુધી રાહત આપી છે. જે વાહન ચાલકોએ લાયસન્સ, PUC અથવા તો વીમા પાર્સિંગ કરાવ્યું ન હોય તેવા તમામ વાહન ચાલકોને આગામી 15 ઓક્ટોબર સુધી વ્યવસ્થા કરી લેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ લાયસન્સ, PUC તેમજ વીમા પાસિંગ માટે વાહન ચાલકોની RTO કચેરી અને PUC સેન્ટરો બહાર ઘસારો જોવા મળી રહ્યો હતો.
જે પરિસ્થીતીને ધ્યાને લેતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે સુરતના વાહન ચાલકોનું માનવું છે કે, 27 દિવસ જેટલો સમય પૂરતો નથી. સલામતીના ભાગરૂપે વાહન ચાલકો નિયમોનું પાલન કરવા તૈયાર છે. પરંતુ તેની સામે વાહન ચાલકોને સુવિધા પણ તેટલી મળવી જરૂરી છે.
સરકાર દ્વારા નવા ટ્રાફિકના નવા નિયમોમાં આકરા દંડની જોગવાઈઓ છે. જે સામાન્ય જનતા માટે અઘરું છે. ટ્રાફિકના નિયમોની સામે શહેરના રસ્તાઓની પણ મોટી સમસ્યા છે. PUC સેન્ટરોની સંખ્યા પણ ખૂબ ઓછી છે. જેથી આ બાબતો પર પણ સરકાર ધ્યાન આપે તે જરૂરી છે.