સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા કન્વેન્શન હોલમાં હજારોની સંખ્યામાં ઓડિશાવાસીઓ એકત્ર થયા હતા. આ કાર્યક્રમ ઓડિશાના લોકો માટે ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે વર્ષોથી સુરતમાં રહેતા અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી ચૂકેલા ઓડિશાવાસીઓને અત્યાર સુધી સરકારી યોજનાઓનો કોઈપણ લાભ મળી શકતો નહોતો.
ખાસ કરીને આરોગ્ય સંબંધી યોજનાઓ અત્યાર સુધી તેઓને મળી નહોંતી. પરંતુ હવે રાજ્ય સરકારની અતિ મહત્વકાંક્ષી યોજનામાં વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓમાં ઓડિશાવાસીઓ પણ સહભાગી બની શક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઓડિશાવાસીઓને આ લાભ મળી શકે એ માટે એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું અને તેમના તમામ ડોક્યુમેન્ટ જોયા બાદ હવે તેઓને માં વાત્સલ્ય કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
જેથી તેઓ પોતાના આરોગ્યને લગતી કોઈપણ સમસ્યા હોય તો ઉપચાર માટે શહેરની કોઈ પણ મોટી હોસ્પિટલમાં જઈ શકે અને 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સેવા લઈ શકે. સાથે સાથે તેઓને રાશનકાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
અત્યાર સુધી મોટા ઓપરેશન માટે ઓડિશાવાસીઓને ઓડિશા જવું પડતું હતું કારણ કે, તેઓની પાસે બીજુ કાર્ડ હતું અને આરોગ્ય માટેનું કાર્ડ ઓડિશા સરકાર આપતી હતી. જેના કારણે સારવાર માટે ઓડિશા જવું પડતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારના માં વાત્સલ્ય કાર્ડ પણ તેઓને આપવામાં આવ્યા છે. જેથી એમની આરોગ્યની કોઈપણ સારવાર કરાવવી હોય તો હવે ગુજરાતમાં જ થઈ શકશે. એક સાથે ૧૨ હજાર લોકોને આ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને આગળ પણ માં કાર્ડ આપવાની કામગીરી ચાલુ રહેશે.