સાબરકાંઠાઃ કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે, તેમજ દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કહેર સામે વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પડતા હોય છે, જો કે જાહેરનામાના ભંગ બદલ દરરોજ કેટલાય લોકો સામે કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે કલમ 188 મુજબ થતી રહેલી કાર્યવાહીને સામાન્ય ગણવામાં આવે છે જો કે પોલીસ વિભાગ દ્વારા આ મામલે પૂર્ણ ગંભીરતા રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં કલમ 188 અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે પરેશાની સર્જાઇ શકે છે.
સામાન્ય રીતે જિલ્લા કલેકટર સહિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેરનામાનો ભંગ થાય ત્યારે કલમ 188 મુજબ પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જોકે સામાન્ય રીતે કલમ 188 મુજબ ગુનો જામીન પાત્ર છે. તેમજ તેમાં કોઈ મોટી સજાનું પ્રાવધાન નથી.
જાહેરનામાનો ભંગ કરનારા લોકો માટે કલમ 188 અંતર્ગત જે કોઈ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાશે તેવા તમામ લોકોને આગામી સમયમાં પાસપોર્ટ મેળવવામાં તકલીફ પડી શકે છે. તેમજ વિદેશમાં જવા માટેની પરમિશનથી લઈ અન્ય કોઈ મોટી મંજૂરી લેવા માટે પણ સમસ્યા સર્જાઇ શકે છે. સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવા માટે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો ન હોય ત્યારે જે તે પોલીસ સ્ટેશન દ્વારા અપાયેલા દાખલાના આધારે પાસપોર્ટ બને છે. તેમજ પાસપોર્ટના આધારે વિદેશ જઇ શકાય છે. જોકે કલમ 188નો ભંગ કરનારા તમામ લોકોને આ મામલે આગામી સમયમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
એક તરફ કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે, ત્યારે જાહેરનામાનો ભંગ કરનારા લોકોની પણ સંખ્યા વધી રહી છે. જેના પગલે પોલીસ પ્રશાસન હવે જાહેરનામાના ભંગ કરનારા લોકો સામે કઠોર બની રહી છે. તેમજ કોરોના કહેર અટકાવવા માટે આવું પગલું હાલના સમયે જરૂરી પણ છે, જોકે પોલીસના આ પગલાથી આગામી સમયમાં જાહેરનામાનો ભંગ કરનારા લોકોમાં કેટલો ઘટાડો આવશે એ તો સમય બતાવશે.