સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી ખાતે નરેશ પટેલ નામના 30 વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં વડાલી પોલીસ મથકે 7 આરોપીઓના નામજોગ ફરિયાદ થઈ હતી.
પોલીસે 48 કલાકથી વધારેનો સમય વિતવા છતાં હજુ સુધી એક પણ આરોપીની અટકાયત ન કરતા આખરે મૃતક નરેશ પટેલની પત્નીએ વડાલી પોલીસ મથકે લેખિત આત્મવિલોપનની ફરિયાદ આપતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
વડાલી પોલીસ મથકે ડીવાયએસપીને લેખિતમાં આત્મવિલોપનની રજૂઆત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો છે. નરેશ પટેલની મૃતક પત્ની પોતાની બે દીકરીઓ તેમ જ ગર્ભસ્થ શિશુ સાથે 17 તારીખ સુધીમાં જો આરોપી ન પકડાય તો કોઈપણ જગ્યાએ આત્મવિલોપન કરવાની લેખિત જાણ કરી છે. તેમજ પોતાની બન્ને દીકરીઓ સહિત ગર્ભસ્થ શિશુ અને પોતાની જાતને કંઈ પણ થાય તો તેની પૂર્ણ જવાબદારી પોલીસને આપી છે.
સંવેદનહીનતાની પૂર્ણ સીમાઓ પૂરી થયા બાદ પણ પોલીસ તંત્ર વિભાગ દ્વારા હજુ સુધી એક પણ આરોપીની અટકાયત થઈ શકી નથી. તેમજ ડીવાયએસપી પણ આરોપીઓના મામલે માત્ર દિલાસા આપતા હોય તેવું જણાઈ રહ્યું છે.
આગામી સમયમાં વ્યાજખોરો મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ કેટલાક ઠોસ પગલા ઉઠાવે છે, તે પણ મહત્વનું બની રહે છે.