સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરની ટેલિફોન સોસાયટીમાં પાડોશી તરીકે રહેતા વનવાસી તેમજ અન્ય સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ તલવાર વડે હુમલો કરવાની સાથોસાથ સમગ્ર વનવાસી સમાજને ઉદ્દેશીને અસભ્ય શબ્દો બોલી જાહેરમાં સામાજિક અપમાન કરવાના મામલે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સાબરકાંઠા જિલ્લા પોલીસને પત્ર લખી આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અપીલ કરી છે.

જો કે, સામાન્ય સંજોગોમાં શહેરી સોસાયટીઓમાં નાની મોટી બાબતે પડોશીઓમાં વિરોધાભાસ રહેતો હોય છે, ત્યારે ટેલીફોન સોસાયટીમાં સામાન્ય બાબતે વિરોધાભાસ સર્જાતા બાજુમાં રહેતા પાડોશીએ તલવાર વડે જાહેરમાં ગાડીના કાચ તોડી અસભ્ય શબ્દો બોલતો વીડિયો વાયરલ થયો હતો, જેના પગલે કેન્દ્રીય પ્રધાન દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ કરાતા તાત્કાલિક ધોરણે યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
આ મામલે તલવારથી હુમલો કરનારા લવજી સોલંકીએ વિનોદ મોથલિયાને પત્ર લખી આપતા સમગ્ર મામલો પૂર્ણ થયો છે. જો કે, સામાન્ય બોલાચાલી બાદ ઘટનાનો વીડિયો વાયરલ થતા ક્યારેક વિકરાળ સ્વરૂપ બને તો ન કલ્પેલી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે.