સાબરકાંઠા: જિલ્લાના ઇડર તાલુકાના લાલપુરા ગામે વીજ શોક લાગતા રબારી પરિવારના બે બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
સામાન્ય રીતે ચોમાસાની સિઝન પહેલા UGVCL દ્વારા વીજ શોક ન લાગે તે માટેની પૂરતી તૈયારીઓ કરવાની સાથોસાથ લાખો રૂપિયાના ખર્ચ કરતા હોય છે. જો કે, લાલપુર ગામની નર્સરી નજીક એક પશુ સહિત બે બાળકોને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. જેના પગલે રબારી પરિવાર પર આભ તૂટી પડયું હતું.
એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત થતા સમગ્ર ગામ શોકાતુર બન્યું હતું. જો કે આ અંગે ઇડર ખાતે આવેલી વીજ વિભાગની ઓફિસે જાણ કરાતા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની પોલીસને જાણ કર્યા બાદ પોલીસે ઘટનાસ્થળે આવી બન્ને બાળકોના મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
જો કે, ઉત્તર ગુજરાત વીજ નિગમ દ્વારા પ્રતિવર્ષ કેટલાય લોકોના મોત તેમની બેદરકારીના પગલે થતા હોય છે. જે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે ઠોસ પગલા લેવાય તો આગામી સમયમાં અન્ય દુર્ઘટના બનતી અટકી શકે તેમ છે.