હિંમતનગર : આજથી હિમતનગર રેલવે સ્ટેશન ઉપર એકસાથે ત્રણ ટ્રેન શરૂ થઇ છે.જેને સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ફ્લેગઓફ કરાવવામાં આવી હતી.નવી શરુ થયેલી 3 ટ્રેનથી રાજસ્થાનના જયપુર અને કોટા તથા મધ્યપ્રદેશના ઇન્દોર સુધી ટ્રેન કનેક્ટિવિટી મળી છે. હિમતનગરથી સીધા બે રાજ્યોમાં જવા માટે આજથી શરૂ થયેલી ટ્રેન મહત્ત્વની બની છે. સાબરકાંઠાવાસીઓની વર્ષો જૂની માંગ આજે પરિપૂર્ણ થતાં જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી જામી હતી.
હજારો લોકો માટે આગામી સમયમાં રોજગારીના દ્વાર ખુલશે : છેલ્લા કેટલાય વર્ષોથી સાબરકાંઠાને અમદાવાદ સહિત રાજસ્થાન સાથે રેલ્વેથી જોડાણની માંગ આજે પૂરી થઈ છે. જેમાં ઉત્તર તરફ જયપુર જવા અને કોટા જવા ડાયરેક્ટ ટ્રેન મળી છે. તો મધ્યપ્રદેશના ઇન્દોર પણ સીધા હિંમતનગરથી ટ્રેન મળી જશે. આ ત્રણ નવી ટ્રેનને સાબરકાંઠા જિલ્લા સાંસદે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ ટ્રેન રુટ આગામી સમયમાં વિવિધ મામલે રાજસ્થાન સહિત સમગ્ર દેશ સાથે કડીરુપ બનશે.
આ પણ વાંચો અરે વાહ, શહેરના આ રેલવે સ્ટેશનોને મળી નવી ટ્રેન, પ્રવાસીઓને ફાયદો
લોકોને મોટી રાહત થઇ : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન શનિવારે એકસાથે ત્રણ ટ્રેનોની કનેક્ટિવિટી શરૂ કરાઇ છે. આ ત્રણ ટ્રેનમાં જયપુર ઇન્દોર અને કોટા સાથે હવે નિયમિત રૂપે ટ્રેનની સગવડ મળી છે. સાબરકાંઠા જિલ્લો વર્ષોથી અનેક પ્રકારે રેલવે સુવિધાથી ઉપેક્ષિત રહ્યો હોવાનો ઇતિહાસ છે ત્યારે આજથી શરુ થયેલી નવી ટ્રેન સેવા લોકોને મોટી રાહતરુપ બનશે. જિલ્લામાં બ્રોડગેજ રેલવેલાઇન શરૂ થવાની સાથે હિંમતનગર રેલવે સ્ટેશનથી આ નવી ત્રણ ટ્રેન શરૂ થઈ શકી છે.
ટ્રેનોમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ : આ ટ્રેનો લાંબા અંતરની હોવાથી ત્રણેય શહેર તરફ જતાં પ્રવાસીઓને ટ્રેનની અંદર સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવઇ છે.વધુમાં આગામી સમયમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માટે આ ટ્રેન થકી સેતુ રૂપ ભૂમિકા પણ બંધાશે. સાથોસાથ આ ટ્રેન શરૂ થવાથી ધંધા ઉદ્યોગ અને રોજગાર માટે પણ મહત્વની સેવા બનશે.
મુંબઈ સુધી કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસ : સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું કે આ નવી ટ્રેન સુવિધા શરૂ થતા કાયમી અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ સહિત જિલ્લાના વ્યાપારજગત માટે વધુ તકો ઉપલબ્ધ બની રહી છે. તો બીજો લાભ એ છે કે હાલમાં હિંમતનગરથી અમદાવાદથી જયપુર સુધી નિયમિત રૂપે અપડાઉન કરનારા તમામ લોકો માટે આશીર્વાદરુપ બનશે. સાબરકાંઠા જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડ સહિત રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા દ્વારા અમદાવાદ તરફ જતી ટ્રેનને લીલી ઝંડી આપી વિધિવત શરૂઆત કરાવાઈ છે. હજુ પણ આવનારા સમયમાં સાબરકાંઠાના લોકોનેે મુંબઈ સુધી કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યાં હોવાનું સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું છે. ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં બાકી રહેલી ખેડબ્રહ્માથી હડાદ સુધીની રેલવે કનેક્ટિવિટી માટે પણ સંપૂર્ણ પ્રયાસ થતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.રેલ સેવામાં વર્ષોથી ઉપેક્ષિત સાબરકાંઠા જિલ્લાને મુંબઈ તેમજ દિલ્હી સુધીની કનેક્ટિવિટી મળે તો સાબરકાંઠા જિલ્લાના વિકાસની ગતિ પણ તેજ બનશે તે નક્કી છે.