સાબરકાંઠાના ધારાપુર ગામના વતની મુકેશભાઈ સોલંકી 26મી ઓક્ટોબરે હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક એટીએમમાંથી 10,000 રૂપિયા ઉપાડ્યા હતા. જો કે, ત્યારબાદ 17મી નવેમ્બરે 10,000 ટ્રાન્જેક્શન કરી કોઈ અજાણ્યા વ્યક્તિએ 50,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે મુકેશભાઈનું કહેવું છે કે, મારા ઉપર કોઈપણ પ્રકારનો કોઈ ફોન કે, મેસેજ કે OTP આવ્યો નથી. છતાં એ મારા પૈસા બારોબાર ઉપડી ગયા છે. આમ એકાએક પોતાના ખાતામાંથી રૂપિયા 50 હજારની ઉઠાંતરી થતા સાબરકાંઠા સાયબર સેલને આ અંગે લેખિત જાણ કરી તપાસ હાથ ધરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ પણ આરોપીઓની અત્યાધુનિક ટેકનોલોજીથી વાકેફ થઇ હતી.
છેલ્લા કેટલાક સમયથી એક એવી મોરસ ઓપરેન્ડીથી પૈસા ઉપાડવામાં આવે છે. જે જાણીને નવાઈ લાગશે. કોઈપણ એટીએમમાં દાખલ થયા બાદ હવે ગ્રાહક એટીએમમાં પોતાનું એટીએમ કાર્ડ નાખે અને પોતાને અપાયેલા કોડ નંબરથી પૈસા મેળવે એ સામાન્ય બાબત છે. પરંતુ હિંમતનગરના એસબીઆઈના એટીએમમાં કોઈ અત્યાધુનિક ચોરી થાય એવું ડિવાઈસ લગાવ્યું હતું. જેનાથી કોઈ પણ ગ્રાહક એટીએમમાં દાખલ થયા બાદ પોતાનું એટીએમ કાર્ડ નાખે તો આ ડિવાઇસ કાર્ડની તમામ ડિટેલ ઓટોમેટીક સ્કેન કરી લેતું હતું.
સામાન્ય રીતે એટીએમમાં ચોરી થાય એ સામાન્ય બાબત છે. પણ એટીએમમાં દાખલ થયેલા ગ્રાહકોના ખાતામાં સીધી રકમની ચોરી થાયએ નવી બાબત છે. ગુજરાતમાં કદાચ આ પહેલો ઓવો કિસ્સો છે કે, જ્યાં હિંમતનગરમાં ગત 26 ઓક્ટોબરે એક જ એટીએમમાંથી વિવિધ ગ્રાહકોએ કરેલા ટ્રાન્ઝેક્શન બાદ તાજેતરમાં ચાર લાખથી વધારેની રકમ બારોબાર થઈ ચૂકી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિવિધ ટીમો બનાવી આ કેસના આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યો છે.
જો કે, આ સમગ્ર કારસ્તાન આરોપીઓ કઈ રીતે કરે છે. એ પણ જાણવા જેવું તેમજ સમજવા જેવું છે. આજના ડિજિટલ યુગમાં આવા કેસના નિવારણ માટે સાયબર સેલનું ગઠન કરવામાં આવ્યું છે. તેમજ સાબરકાંઠા જિલ્લામાં સાયબર સેલ થકી આવા કેસનો નિકાલ લાવવામાં મહદ અંશે સફળતા પણ મળી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત આ કેસના નિકાલ માટે બે ટીમ કામે લાગી છે. આ કેસમાં 26 ઓક્ટોબરના રોજ હિંમતનગરના ખેડ તસિયા હાઇવે પર આવેલા એસબીઆઈના એટીએમમાં કોઈ આરોપીએ ટેકનિકલ ડિવાઈસની મદદથી થકી એવી ચીપ ફીટ કરી હતી કે, જેના થકી 26 મી ઓક્ટોબરે આ એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરનાર દરેક વ્યક્તિના ખાતામાંથી મોટાભાગની તમામ રકમ ઉપાડી લેવાઇ છે. તેમજ અલગ અલગ જગ્યાએથી ટ્રાન્જેક્શન થકી આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યો છે. જેમાં સુરત અંકલેશ્વર અને ભરૂચ થકી મોટાભાગના ટ્રાન્જેક્શન કરાયા છે. જો કે, આ ટ્રાન્જેક્શનની માહિતી એટીએમની ચીપમાં ફીટ કરાયેલ હોવાથી કોઈ પણ ગ્રાહકને તેની જાણ શુદ્ધા પણ થઇ નથી. તેમજ આગામી સમયમાં આવા આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે વિશેષ કવાયત હાથ ધરી હતી. આ આરોપીઓની ટેકનીક અત્યાધુનિક હોવાથી પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે. હાલમાં, સાબરકાંઠા જિલ્લા પોલીસ આ મુદ્દે પોતાની તપાસ તેજ કરી હતી. તેમજ આરોપીઓની CCTV ફૂટેજ સહિતની તમામ માહિતી કબજે લઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાતની આ અત્યાધુનિક ચોરી ડિજિટલ ઇન્ડિયા માટે એક અભિશાપરૂપ સાબિત થવાની ઘટના બની છે. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત પોલીસ અને વહીવટી તંત્ર પણ આ મુદ્દે ઠોસ પગલાં ભરે તે જરૂરી છે. પરતું આવા પગલા ક્યારે ભરાશે એ તો આગામી સમય જ બતાવશે.