જિલ્લામાં સ્કુલોના વિલીનીકરણના પગલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સીધી અસર થનાર છે. એક તરફ "ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત"ની વાતો વચ્ચે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ દિન પ્રતિદિન નિમ્ન સ્તરે જઈ રહ્યું છે, ત્યારે જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને શિક્ષણ આપનારી સંસ્થાઓનું સર્વે શરૂ કરવામાં આવ્યુ છે. જે શૈક્ષણિક સંસ્થાઓમાં 30થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સાબરકાંઠા જિલ્લાની 207 સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે.
સાબરકાંઠા જિલ્લામાં હાલમાં પ્રાથમિક શિક્ષણ વિભાગની કુલ શાળાઓ પૈકી 207 શાળાઓમાં આ અંગે વિશેષ સર્વે કરી મોટાભાગની શાળાઓને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં લઈ જવા માટેનો ખર્ચ પણ જિલ્લા શિક્ષણ વિભાગ ઉપાડશે. જોકે એક સાથે આટલી શાળાઓ મર્જ થવાના પગલે જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિરોધાભાસની સંભાવનાઓ પણ રહેલી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને મર્જ કરવાની બાબતે પોતાનો અભિપ્રાય આપતા કહ્યુ કે, આ નિર્ણય બાદ પરિણામ કેટલું સુધરી શકે છે તે તો આગામી સમય જ બતાવશે.