સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગત કેટલાક સમયથી બાઈક ચોરીનું વ્યાપક નેટવર્ક ગોઠવાયું હતું. જેના પગલે ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લાઓમાં દરરોજ બાઈક ચોરીની ફરિયાદ નોંધાતી હતી. જો કે, આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતર જિલ્લામાં બાઈક ચોરી કરનારી ગેંગની 14 બાઇકો સાથે અટકાયત કરી તમામને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં ગત કેટલાક સમયથી જાહેર સ્થળો પરથી બાઇકો ચોરી થવાનું પ્રમાણ વધ્યું હતું. જેના પગલે જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, રાત્રીના સમયે બાઈક ચોરીનું પ્રમાણ વધુ હોવા છતાં કોઈપણ આરોપી સુધી સરળતાથી પહોંચી શકાય તેમ નહોતું.

જેના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે અમદાવાદ પૂર્વની તપાસ હાથ ધરતા CCTV ફૂટેજ તેમજ બાતમીદારોને કામે લગાડતા રાજસ્થાનની એક ગેંગ છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું હતું. જો કે, કોરોના પોઝિટિવ મહામારી હોવા છતાં બાઈક ચોરીનું પ્રમાણ યથાવત રહેતા જિલ્લા પોલીસે પૂર્ણ ગંભીરતા દાખવી તમામ ટીમોને બાઈક ચોરી પાછળ લગાડતા આખરે સાબરકાંઠા જિલ્લા પોલીસે બાઈક ચોરી કરનારી ગેંગના મુખ્ય 3 આરોપીઓ ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
આ તમામ આરોપીઓ જાહેર જગ્યા પરથી બાઇકની ચોરી કરતાં તેમજ ડુપ્લીકેટ ચાવીથી લોક ન ખુલે તો લોક તોડીને બાઈક લઈ રાજસ્થાન તરફ લઈ જતા હતા તેમજ રાજસ્થાન બાઇકને અડધી કિંમતે વેચી દેતા હતા. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે 14 બાઇકો સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમ જ કોરોના પોઝિટિવ ટેસ્ટ બાદ તમામને કોર્ટમાં રજૂ કરી વધુ રીમાન્ડની મેળવી ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓની બાઈક ચોરીની કબૂલાત માટેની તજવીજ હાથ ધરાશે.
જો કે, આ ગેંગ દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ ચોરી કરી હોવાની કબુલાત સામે આવ્યા બાદ આગામી સમયમાં હજુ પણ વધુ બાઈક ચોરીનો ભેદ ઉકેલાવાની પણ પૂર્ણ સંભાવના છે, ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ અન્ય કેટલાક ગુનાઓની કબુલાત કરાવી શકે છે. તેમજ અન્ય કેટલી બાઇકની ચોરીનો ભેદ ઉકેલી શકે છે.