સાબરકાંઠા: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની આગાહી બાદ શનિવારના રોજ સાબરકાંઠાના વિજયનગરમાં 4 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકાર સર્જાયો છે.
પોલો ફોરેસ્ટ વિજયનગર જવા માટેના રસ્તા પર ડુંગર ધરાશાયી થતાં વાહન વ્યવહાર અટવાયો છે. સાથો સાથ આગામી સમયમાં વરસાદ યથાવત રહેશે તો સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડેશે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે છેલ્લા 2 દિવસથી સાબરકાંઠા વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, ત્યારે શનિવારના રોજ 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
સ્થાનિકો માટે અવરજવરની સમસ્યા સર્જાઈ છે. જો કે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી ઘટનાસ્થળે કોઈ પહોંચી શકે તેમ નથી. સાથોસાથ વરસાદ હજુ યથાવત રહેતા આગામી સમયમાં ડુંગર હજુ પણ વધારે તૂટી શકે તેમ છે. જોકે આ મામલે આગામી સમયમાં વરસાદ યથાવત રહેશે તો પોલો ફોરેસ્ટ સંપૂર્ણપણે બંધ થઈ શકવાની સંભાવના છે.