સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાત માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની એકમાત્ર આશ્રયસ્થાન ધરોઇ જળાશય યોજના છે. જો કે, આ જળાશયમાં સૌથી વધુ પાણી હરણાવ તેમજ સાબરમતી નદી થકી આવે છે, ત્યારે ગુરૂવારે હરણાવ નદી બે કાંઠે થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હરણાવ નદીના કિનારે આવેલા મોટાભાગના ગામડાઓમાં આગામી એક વર્ષ સુધી પાણીની ખોટ સર્જાશે નહીં. તેમજ આસપાસના વિસ્તારોમાં પણ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ધરોઇ જળાશય યોજનામાં પણ છેલ્લા એક સપ્તાહમાં ચાર ફુટથી વધારે પાણી આવતા આગામી સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીની ખેંચ નહી પડે તેવી સંપૂર્ણ સંભાવના છે.
જો કે, ગત વર્ષે ધરોઇ જળાશય ઓવરફલો થયો હતો, ત્યારે આ વર્ષે ધરોઇ જળાશય સંપૂર્ણપણે ભરાય તો સમગ્ર ઉત્તર ગુજરાત માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા હલ થઇ શકે તેમ છે. હરણાવ નદી બે કાંઠે થતા સ્થાનિકો માટે પીવાના પાણીની તેમજ સિંચાઈની સમસ્યા હાલ પૂરતી દૂર થઈ છે.