સાબરકાંઠા: જિલ્લાના વડાલીમાં 6 દિવસ અગાઉ 7 વ્યાજખોરના ત્રાસથી કંટાળી નરેશ પટેલ નામના 30 વર્ષીય યુવકને આપઘાત કર્યો હતો. જેની અંતિમ વિધિ ગુરૂવારના રોજ કરવામાં આવી હતી. આત્મહત્યા કરવાથી નરેશ પટેલનો પરિવાર નોંધારો બની ગયો છે.
સાબરકાંઠા જિલ્લા પોલીસે 7 વ્યાજખોરો પૈકી 4 વ્યાજખોરોની બુધવાર રાત્રિએ જ ધરપકડ કરી લીધી છે, તેમ છતાં આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા તમામ આરોપીઓ સામે ઠોસ પગલા ભરવાની કામગીરીની રજૂઆત બાદ ગુરૂવારે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
મૃતકના પરિવારે માગ કરી હતી કે, વ્યાજખોરોનું નેટવર્ક એક ગામ પૂરતું નહીં, પરંતુ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. જેથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આવા વ્યાજખોરોના કારણે દિન-પ્રતિદિન નેસ્ત નાબૂદ થતાં પરિવારોને બચાવવા માટે પગલાં ભરવાની જરૂરિયાત છે અને તંત્ર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે તો, નરેશ પટેલ જેવા આશાસ્પદ યુવાનો મોતને ભેટતા અટકી શકે તેમ છે.