સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચોરીવાડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગેરકાયદેસર ભરતી મામલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ-10 અને 12ની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય લેવાયા અંગેનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 2001માં થયેલી ભરતીના કારણે 2005 તેમજ 2019માં સાબરકાંઠા જિલ્લાની ત્રણ સ્કૂલોની માન્યતા રદ કરી હતી. તેમજ બુધવારે વધુ એક સ્કૂલની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગેરકાયદેસર ભરતી કરાયાનું ધ્યાને આવતા ચોરીવાડ હિત વર્ધક મંડળે જે તે શિક્ષકને છૂટા કરી રાજ્ય સરકાર પાસેથી લેવાયેલી રકમને પરત જમા કરાવી હતી, છતાં શાળા અંગે લેવાયેલો નિર્ણય યોગ્ય ન હોવાનું શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની ફેરવિચારણા કરવા અંગે વાત કરીં હતી.
સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ મુદ્દે કોઈ પણ પ્રકારની જાણ ન હોવાની વાત કરી હતી. એક તરફ 263થી વધારે વિદ્યાર્થીઓના ભાવિ જોખમાયું છે, તો બીજીતરફ વહીવટી તંત્રનું મૌન વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું સૂચવી રહ્યું છે.