સાબરકાંઠા: જિલ્લાના વિજયનગરના કણાદર ગામે ગતરોજ જંગલમાં મહુડા લેવા ગયેલી મહિલા ઉપર દિપડાએ હુમલો કરતાં તેનું મોત થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે વનવિભાગ દ્વારા એક સાથે ચાર અલગ-અલગ જગ્યાએ દીપડાને ઝડપી લેવા પાંજરા ગોઠવ્યા હતા.
વિજયનગરના કણાદર ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ત્રાસ યથાવત રહેવાના પગલે ગતરોજ સ્થાનિક ગામની મહિલા ઉપર અચાનક હુમલો કર્યો હતો. જેથી મહિલાનું મોત થયું હતું. જેના પગલે પોલીસ તંત્ર સહિત વહિવટી તંત્ર દોડતું થયું હતું અને દીપડાને ઝડપી લેવા એક સાથે ચાર અલગ-અલગ જગ્યાએ મારણ મૂકી પાંજરા ગોઠવાયા હતા.
આ ઉપરાંત દીપડાને ઝડપી લેવા વન વિભાગે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે. જો કે આ વિસ્તારમાં એકથી વધુ દીપડા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે એ પણ મહત્ત્વ છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી કામગીરી આગામી સમયમાં કેટલા દીપડાને ઝડપી શકે છે.
જોકે આગામી સમયમાં વનવિભાગ દ્વારા આવા હુમલા કરનાર દીપડાને ઝડપી લેવા માટે મિશન સ્વરૂપે કામગીરી હાથ ધરાય તે જરૂરી છે જોકે આવું ક્યારે બનશે એ તો આગામી સમય બતાવશે. હાલમાં એક સાથે ચાર અલગ અલગ જગ્યાએ હાથ ધરાયેલી કામગીરીને પગલે સ્થાનિકોનું માનવું છે કે, આ વિસ્તારમાં એકથી વધુ દીપડાઓ ઝડપાઈ શકે છે.