સાબરકાંઠાઃ જિલ્લાના સિયાસણ અને પાંચ ગામના દૂધ મંડળી વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે આ મામલે ઈડર પોલીસ જવાન ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવાના મામલે ઈડર પોલીસે 3 વ્યક્તિની અટકાયત કરી છે. તેમ જ આ મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉગ્ર માગ ઊઠવા પામી છે. ત્યારે પોલીસ પર હુમલો કરતા શખ્સને ઝડપી પાડી જેલહવાલે કરાયો હતો.
આ પણ વાંચોઃ Vadodara Crime : ચાર શખ્સોએ યુવકને ઢોર માર મારતા ત્રણ દાંત પાડી નાખ્યા, વિડીયો વાયરલ
માથાભારે શખ્સે કર્યો હુમલોઃ ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું સિયાસન ગ્રામ પંચાયત વિસ્તારમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. આ વિસ્તારમાં આવેલી પાંચ ગામડાં પ્રાથમિક શાળાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે એટલે પાંચ ગામડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સિયાસન પ્રાથમિક શાળા ખાતે જઈ રહ્યા છે. તેવામાં આ વિસ્તારમાં વસવાટ કરતો અને માથાભારે શખ્સ ચંદુ પરમાર નામનાં વ્યક્તિએ પોતાની અંગત અદાવતને લઈને પ્રાથમિક શાળાનાં બાળકોની વાન અડધે રસ્તે રોકી હતી. તેમ જ બાળકોને ગાડીમાં ન લઈ જવાનું કહી ગાડીને નુકસાન પહોંચાડી ચાલકને મારી નાખવાની ધમકી આપી હતી.
અંગત અદાવતના કારણે હુમલોઃ પાંચ ગામડા દૂધ સેવા સહકારી મંડળીમાં થોડા દિવસ અગાઉ દૂધ ભરાવવા પહોચેલાં ચંપા ઓજાત નામનાં મહિલા અને ડેરીના સેક્રેટરી વચ્ચે દૂધનાં ફેટને લઈ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચંપાબેનનું ઉપરાણું લઈ પહોચેલા ગામનો માથાભારે શખ્સ ચંદુ પરમારે ડેરીનાં ટેસ્ટર તેમ જ સેક્રેટરીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ગામના બાળકો અભ્યાસ અર્થે પોતાનાં ગામેથી અન્ય ગામેથી આવતા સમયે આરોપી ચંદુ પરમાર, ચંપા ઓજાત તેમ જ બ્રિલિયન્ટ નામનાં ત્રણે વ્યક્તિઓએ શાળામાંથી છૂટી ઘરે આવતાં સમયે બાળકોની વાનને અડધે રસ્તે રોકી આગળ જવાની ન પાડી દીધી હતી.
આરોપીઓએ પોલીસકર્મી પર કર્યો હુમલોઃ જોકે, ગ્રામજનોએ બાળકને સલામત સ્થળે ખસેડી ભૂલકાંનાં વાલીઓને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ત્યારે જૂની અદાવતના કારણે ઉશ્કેરાયેલા શખ્સ સામે કાર્યવાહી કરવા ઈડર પોલીસની મદદ લેવામાં આવી હતી. અહીં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી અને અન્ય વ્યક્તિ પર ત્રણેય આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હૂમલો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક 108ની મદદથી ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓની કરી ધરપકડઃ પોલીસને મળેલ કૉલ મૂજબ, પોલીસકર્મી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ અડધે રસ્તે અટવાયેલા બાળકોને ઘરે પહોંચાડવાની સુવિધા કરી રહ્યા હતા. તે જ વખતે તેમની પર જીવલેણ હુમલો કરાયો હતો. જોકે, તેમને હોસ્પિટલ દાખલ કરાતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, પોલીસને જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ Surat Crime : ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો
ગ્રામજનોએ ન્યાયની માગ કરીઃ ઉલ્લેખનીય છે કે, આંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજે પણ માથાભારે શખ્સ સામે ઝડપી કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી છે. ગામમાં રહેતો ચંદુ પરમાર, ચંપા ઓજાત છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં પોતાનો રોફ જમાવવા અવ્વલ છે. જોકે, બંને વ્યક્તિ માથાભારે હોવાના કારણે આજ દિન સુધી લોકો ડરના સહારે જીવન વિતાવી રહ્યા હતા. ત્યારે આખરે ઈડર પોલીસે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરતાં ગામજનોએ ઝડપી અને યોગ્ય ન્યાયની ઉગ્ર માગ સાથે તંત્રને અપીલ કરી છે.