સાબરકાંઠા: વિજયનગર નજીક આવેલા ચિત્રોડી ગામ પાસે સોમવારે ધાત્રીમાતાઓ તેમજ આંગણવાડીના બાળકોને અપાતા બાલભોગના 15થી વધારે પેકેટ અગમ્ય કારણોસર ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યા હતા. એક તરફ સમાજમાં બાળકો માટે પોષણક્ષમ આહારની ઉણપ સર્જાતી હોય છે ત્યારે બીજી તરફ પોષણયુક્ત ખોરાક રસ્તામાંથી મળી આવે તે અચરજ પમાડે તેવી બાબત છે.
છેવાડાના વ્યક્તિ સુધી પોષણયુક્ત આહાર પહોંચાડવા માટે સરકાર દ્વારા અનેકવાર પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે તેમજ સમાજમાંથી કુપોષણને નાબૂદ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાતી હોય છે. તેમ છતાં કુપોષણની સમસ્યા આજે પણ યથાવત છે ત્યારે લાખો રૂપિયાનો પોષણક્ષમ આહાર ફેંકી દેવો પડે તેવી સ્થિતિ કયા કારણોસર આવી છે તે મહત્વની બાબત છે.
સમગ્ર ઘટના અંગે વહીવટી તંત્ર દ્વારા તપાસ થાય તે જરૂરી છે. યોગ્ય તપાસ દ્વારા જ આ વિશેનું કારણ બહાર આવી શકશે.