- રાજકોટના દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું
- શહેરમાં અત્યાર સુધીમાં 168 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું
- કોરોના કેસો વધતાં પ્લાઝમા ડોનેશનની ઝૂંબેશ સતત પ્રગતિ હેઠળ
રાજકોટ: પી.ડી.યુ. પેથોલોજી વિભાગ બ્લડ બેન્કના પેથોલોજીસ્ટ ડૉ. હિરલ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લાઝમા એ લોહીનુ એવું તત્વ છે કે, જેમાં કોરોના થયા પછી ઉત્પન્ન થયેલા રોગપ્રતિકારક શક્તિના એન્ટિબોડીઝ હોય છે. કોરોના થાય એટલે એન્ટિબોડીઝ બને છે અને આ એન્ટિબોડીઝ બીજી વખત કોરોના વાઇરસને ઓળખી તેનો પ્રતિકાર વધુ ક્ષમતાપૂર્વક કરે છે. તે બીજા દર્દીમાં મેડિસિન પ્રોટોકોલ મુજબ ટ્રાન્સફર કરીને દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું અગત્યમું માધ્યમ પુરવાર થાય છે.
આમ, પ્લાઝમા ડોનેટ કરવાથી બીજાની જિંદગી બચે છે. તેમજ દાન કરનાર વ્યક્તિનું પ્લાઝમા પૂર્ણ તબીબી તપાસ કરીને લેવામાં આવતું હોવાથી પ્લાઝમા ડોનરને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્લાઝમા ડોનેશન અંગે ભય રાખવાની પણ જરૂર નથી. પ્લાઝમા ડોનેશનથી કોઇ નબળાઈ પણ આવતી નથી. રાજકોટમાં અત્યાર સુધીમાં 168 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. જે 161 દર્દીઓને ચઢાવવામાં આવ્યું છે. જેનાથી પ્લાઝમા ડોનેશનના ત્વરિત ફાયદા જોવા મળ્યા છે.
રાજકોટમાં કોરોના કેસો વધતાં પ્લાઝમા ડોનેશનની ઝૂંબેશ સતત પ્રગતિ હેઠળ છે. ત્યારે શહેરના મેડીકલ લાઈન સાથે સંકળાયેલા યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું કે, રાજકોટને કોરોનાથી મુક્ત કરવું છે. ફરી રાજકોટ હતું તેવું સ્વસ્થ થઈ જાય તે માટે જે પ્લાઝમા આપી શકે તે તમામ કોરોનામુકત થયેલાઓએ સલાહ મુજબ પ્લાઝમા ડોનેટ અવશ્ય કરવું જોઈએ. જે અંગે ડૉ. ચિંતન વ્યાસે પણ કહ્યું હતું કે, પ્લાઝમા ડોનેટ કરવું એ એક મોટી સેવા છે, જેનાથી બીજાની જિંદગી બચાવી શકાય છે. તેમજ ડૉ. હિરલ ચૌહાણે કહ્યું કે, પી.ડી.યુ.માં 24 કલાક પ્લાઝમાની કામગીરી ચાલુ છે. આ એક મહામૂલી સેવા હોય છે. લોકોએ ખોટી ગેરસમજ દૂર કરી પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવવું જોઈએ.