- સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
- સી.આર પાટીલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
- કાર્યક્રમમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા
રાજકોટઃ શહેરમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં જિલ્લાના સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજકોટ જિલ્લાના પ્રભારી અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવડીયા સહિતના રાજકોટ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમ યોજાયો હતો.
500 વધુ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓની હાજરી
રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર યોજાયેલ ભાજપના સરપંચ સંવાદ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોના સરપંચ સાથે ભાજપના કાર્યકર્તાઓ પદાધિકારીઓ, નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને કાર્યક્રમ દરમિયાન કોરોનાની ગાઇડલાઈનનો સ્પષ્ટપણે ભંગ થતો હોવાનું જોવા મળ્યું હતું.
એક ઘર, એક કુટુંબમાં એક જ પદ, નવો નિયમ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા કાર્યક્રમને સંબોધતા જણાવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા નવો નિયમ બનાવમાં આવ્યો છે. જેમાં જે કોઈ પણ ભાજપનો સભ્ય નેતા, ધારાસભ્ય, ચેરમેન, સાંસદ હશે તો તેમના ઘરના અન્ય સભ્યોને બીજા એક પણ પદ આપવામાં આવશે નહિં. તેમજ જે તે સભ્યને પણ એક જ પદ આપવામાં આવશે. આ નવો નિયમ ભાજપના દરેક સભ્ય માટે જાહેર કર્યો હોવાનું સી.આર. પાટીલ દ્વારા જણાવામાં આવ્યું છે.