રાજકોટ: ગત તારીખ 27જુલાઈના રોજ પીએમ મોદીની રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભા યોજાઇ હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા. 1 લાખ કરતાં વધુ લોકોએ પીએમ મોદીને રાજકોટની સભામાં સાંભળ્યા હતા. જો કે સભામાં રાજકોટ જિલ્લાનો જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામનો અસ્થિર યુવક આવ્યો હતો. જે સભા પૂર્ણ થયા બાદથી જ ગુમ છે. આ મામલે માનસિક અસ્થિર યુવકના પરિવારજનો ચિંતિત બન્યા છે તેમજ આ યુવકની શોધખોળ શરૂ કરી છે.
બે દિવસથી પરિવાર શોધી રહ્યો છે યુવકને: આ અંગે માનસિક અસ્થિર યુવકના મોટા ભાઈ એવા ચંદુભાઈ હરિભાઈ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત તારીખ 27ના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો રાજકોટ ખાતે કાર્યક્રમ હતો. જે દરમિયાન વિવિધ ગામોમાંથી સરપંચ અને શિક્ષકો દ્વારા જે લોકોને આ કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. જેમાં અમારા ગામની બે બસોમાં ગામના લોકો રાજકોટ ખાતે સભામાં આવ્યા હતા. જેમાં મારો નાનોભાઈ અરવિંદ મકવાણા જે 42 વર્ષનો છે. જે મગજનો અસ્થિર છે પરંતુ જ્યારે આ કાર્યક્રમ માટે અમારા ગામમાંથી બસ રવાના થઈ ત્યારે આ બસોમાં જવાબદાર એક સરપંચ અને એક શિક્ષક હતા જે અમારા ગામના તમામ લોકોને અહી લઈને આવ્યા હતા. જે બસમાં મારો નાનો ભાઈ પણ હતો પરંતુ મારો નાનો ભાઈ અસ્થિર મગજનો છે અને તેને સરપંચ અને શિક્ષક તમામ લોકો ઓળખે છે છતાં પણ અહીંયા લઈને આવ્યા હતા અને અમને પણ આ બાબતની જાણ કરી નહોતી.
'મારો ભાઈ પીએમ મોદીના કાર્યક્રમમાં આવવા માટે બસમાં બેસીને ગામના લોકો સાથે રાજકોટ ખાતે આવી ગયો હતો. જ્યારે અહીંયા ભીડ એટલી હતી કે આ ભીડના કારણે મારો નાનો ભાઈ ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ અમારા ગામના લોકો પરત ગામમાં આવ્યા હતા. જ્યાં ગામના લોકોએ અમને કહ્યું કે તમારા નાનાભાઈને અમે સભામાં શોધ્યા પરંતુ મળ્યા નહિ એટલે બસ પરત લઈને આવી ગયા હતા. ત્યારથી અમે અમારા ભાઈને શોધી થયા છીએ.' -ચંદુભાઈ મકવાણા, પરિવારજન
બસમાં ફોટો પાડ્યો: ઉલ્લેખનીય છે કે જ્યારે બોરડી સમઢિયાળા ગામના લોકો પીએમ મોદીના કાર્યક્રમમાં આવી થયા હતા તે દરમિયાન ગામના લોકોએ બસમાં ફોટો પાડ્યા હતા. જે ફોટોમાં પણ આ ગુમ થયેલ અસ્થિર મગજનો યુવક દેખાઈ રહ્યો છે. આ મામલે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં યુવક ગુમ થયાના ફરિયાદ નોંધાઇ છે.