રાજકોટ: આગામી દિવસોમાં દેશમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. એવામાં રંગીલા રાજકોટમાં હત્યાના બનાવ વધી રહ્યા છે. બે દિવસ પહેલા રાજકોટ જામનગર રોડ પર જમાવડો હોટેલ ખાતે એક યુવાનની જાહેરમાં ત્રણથી ચાર ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યાં ફરી શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક ભાવિ બનેવીએ પોતાના સાળાની હત્યા કરી છે. સગાઈ તોડવા મામલે આ હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
" મોહસીન નામના યુવાનની હત્યા થઈ છે. તેમાં મૃતકની બહેનની સગાઈ જે યુવક સાથે કરવામાં તે ગમ્યું નહોતું અને સગાઈ તોડવા મામલે આ હત્યા કરવામાં આવી છે. હાલ હત્યાના 6એ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી શરૂ છે."-- મયુરધવ્યસિંહ સરવૈયા (ભક્તિનગર પોલીસ ઇન્સ્પેકટર)
ભાવી બનેવીએ જ કરી સાળાની હત્યા: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા કોઠારીયાની ન્યુ સાગર સોસાયટીમાં રહેતા મોહસીન આદમાણી નામના યુવાનની તેના જ ભાવી બનેવી એવા નૌશાદ સહિતના 6 જેટલા શખ્સો દ્વારા કરવામાં આવી છે. જ્યારે કોઠારીયા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર મામલે પોલીસે દ્વારા આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે રાજકોટમાં ત્રણ દિવસમાં બે જેટલી હત્યાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
હત્યા કરાઈ હોવાની ચર્ચા: જ્યારે મોહસીન આદમણી નામના યુવકની હત્યા મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મોહસીનને બહેનની સગાઈ નૌશાદ નામના શખ્સ સાથે કરવામાં આવી હતી. ત્યારે મોહસિનને નૌશાદ ગમતો ન હતો. તેમજ તેનો રંગ શ્યામ હોવાના મામલે તે નૌશાદને ફોન કરીને પોતાની બહેનની સગાઈ તોડવા માટે ગયો હતો. ત્યારે આ મામલે નૌશાદ સહિતના 6 શખ્સો ભેગા થઈને મોહસીન ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મોહસીનનું મોત થયું હતું. જે મામલે હવે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.