- રામનાથપરામાં બે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી બગડી જતાં
- 40 દિવસ માટે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર બંધ
- 24 કલાક બન્ને ભઠ્ઠીઓ સતત ચાલુ રહેવાના કારણે બગડી
રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં ઘણા બધા દર્દીઓના મોત થયા હતા. જેને પગલે રાજકોટમાં સૌથી મોટા સ્મશાનગૃહ એવા રામનાથપરામાં પણ મોટી સંખ્યામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવતા હતા. ત્યારે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી રામનાથપરામાં આવેલી બે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં કોવિડ મૃતકોના મૃતદેહોના 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા પરંતુ હવે આ બન્ને ભઠ્ઠીઓ સતત ચાલુ રહેવાના કારણે બગડી ગઈ છે. જેને લઇને રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે આગામી 40 દિવસ માટે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે લાકડામાં હજુ પણ અંતિમ સંસ્કાર ચાલુ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના સ્મશાન ગૃહમાં ત્રણ ભઠ્ઠીઓમાંથી બે ભઠ્ઠીઓ બંધ થતા લોકોને હાલાકી
દિવસ-રાત સતત ભઠ્ઠીઓ શરૂ રહેતા બગડી
રામનાથપરા સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અત્યાર સુધીમાં કોવિડના રોજના 20થી 25 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા. જ્યારે અહીં બે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીઓ આવેલી છે. જે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં રાઉન્ડ ધ ક્લોક PPE કીટ સાથે કોવિડ મૃતદેહોના અંતિમસંસ્કાર થવાના પગલે પ્લાસ્ટિક ઓગળતા આ બંને ઇલેક્ટ્રિક ભઠ્ઠીની ઇટો અને કોયલ બળી જતા ભઠ્ઠી બગડી ગઇ છે. જેને લઈને આગામી દિવસોમાં અહીં હવે કોવિડથી મૃત્યુ પામેલા લોકોના અગ્નિ સંસ્કાર ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં થઈ શકશે નહીં. જ્યારે લાડકામાં હજુ પણ અગ્નિ સંસ્કાર શરૂ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ થાકી : સતત મૃતદેહ આવતા બારડોલીમાં બે ભઠ્ઠી તૂટી ગઈ
ભઠ્ઠીઓ શરૂ થતાં 40 દિવસનો સમય લાગશે
રામનાથપરા સ્મશાન ગૃહમાં સતત 24 કલાક કોવિડ મૃતકો માટે અગ્નિસંસ્કાર શરૂ રાખવામાં આવતા ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીઓ પણ હવે બગડી ગઈ છે. જેના રીપેરીંગ માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે પૂર્ણ થતાં 40 દિવસનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે કોરોનાની બીજી લહેરમાં એક મહિના દરમિયાન 1000 જેટલા મૃતદેહના અંતિમસંસ્કાર ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરવામાં આવ્યા છે.