રાજકોટ: ગઈ કાલે દેશ ભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઉપલેટા શહેરમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ કોઈ ઉપલેટા શહેરના રાજપૂત સમાજ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, અગ્રણીઓ પરંપરાગત પાઘડી, પોશાક અને શસ્ત્રો સાથે એકત્રિત થઈ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી શસ્ત્ર પ્રદર્શન અને શસ્ત્ર સાથેની કલા પ્રદર્શન કર્યું હતું.
"ઉપલેટા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજના સૌ કોઈ લોકો વિજયા દશમીના પાવન પર્વના આ અવસર પરંપરાગત પહેરવેશ અને શસ્ત્ર સાથે રેલીમાં જોડાયા હતા. આ સાથે ઉપલેટા શહેરના જાહેર ચોક અને રસ્તા ઉપર શસ્ત્રો સાથેની કલાઓ પણ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય સમાજના સામાજિક આગેવાનો, અગ્રણીઓ દ્વારા ક્ષત્રિય સમાજની નીકળેલી વિજયા દશમીની પરંપરાગત રેલીનું સ્વાગત, અભિવાદન તેમજ સન્માન કરવામાં આવ્યું હતું."-- હરપાલસિંહ જાડેજા (ઉપલેટા શહેર અને તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ)
શસ્ત્રોની પૂજા: ભારતમાં ભલે ગમે રીતે દશેરાની ઉજવણી કરતાં હોય પરંતુ ગુજરાતમાં તો લોકો ખુબ જ જલસાથી તેની ઉજવણી કરે છે. તે દિવસે આખા ગુજરાતમાં ગરીબ હોય કે તવંગર દરેકના ઘરે જલેબી અને ફાફડા ખવાય છે. અરે વેપારીઓ તો નવરાત્રીના નવમા દિવસે રાતથી જ જલેબી અને ફાફડા બનાવવાની શરૂઆત કરી દે છે. આ દિવસે ગુજરાતમાં ઠેર ઠેર મેળાઓ પણ ભરાય છે. વળી ક્ષત્રિયો આ દિવસે પોતાના શસ્ત્રોની પૂજા પણ કરે છે.
ગામે ગામ રાવણ દહન: આજે પણ શેરીએ શેરીએ અને ગામે ગામ રાવણ દહન થાય છે. એટલે રાવણનું પુતળું બનાવી તેને બાળવામાં આવે છે. પરંતુ આજે તેની ધાર્મિક પરંપરા થોડી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. કેમ કે આજે મોટા મોટા શહેરોમાં તો પુતળાની અંદર ઘણાં બધા ફટાકડા ભરવામાં આવે છે. તેને કોઈ નેતા કે પછી કોઇ આગેવાનના હાથે બાળવામાં આવે છે. આ બધું જોવા માટે લોકોની ઘણી મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. એવું લાગે છે કે જાણે બધા કોઇ મનોરંજન માટે ભેગા થયા હોય.