રાજકોટ : જિલ્લાના જેતપુર તાલુકાના મોણપરા ગામે રહેતા કંચનબેન ભીખુભાઈ મકવાણા તેમજ મહેન્દ્રભાઈ ભીખુભાઇ મકવાણાએ પ્રાંત અધિકારી ગોંડલને પત્ર લખી પરિવાર પર થયેલા હુમલાની જાણકારી આપી યોગ્ય કાર્યવાહી થતી ન હોવાથી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.


કંચનબેન અને તેમના પુત્ર મહેન્દ્રભાઇએ જેતપુર પોલીસ, મામલતદાર, ગૃહ સચિવ તેમજ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું હતું કે, જેતપુરના જીતુભાઈ ધાંધલ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા તેમના પુત્ર વિરાજ ધાંધલએ પોતાના પાંચ મળતીયાઓ મારફત જીવલેણ હુમલો કરાવ્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ઉલટાનું આરોપીઓ દ્વારા પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના કોળી સેનાના પ્રમુખ હીરાભાઈ સોલંકી પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.
