- કેશુભાઈ પટેલના નિધનથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દુઃખની લાગણી
- બાપા તેમના વતન રાજકોટથી કરતા હતા મતદાન
રાજકોટઃ ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ નિધન થયું હતું. જેને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી રહી છે. તેમની સાથે વિતાવેલી ક્ષણને યાદ કરવામાં આવી રહી છે. ત્યારે કેશુબાપાનો રાજકોટ સાથે અનેરો નાતો હતો. બાપા વર્ષોથી ગાંધીનગર ખાતે રહેતા હતા. પરંતુ જ્યારે પણ ચૂંટણી યોજાય ત્યારે રાજકોટ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને આવી જતા હતા અને રાજકોટમાં જ મતદાન કરતા હતા. છેલ્લે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ તેઓ રાજકોટ ખાતે આવ્યા હતા.
બાપા રાજકોટથી જ કરતા હતા મતદાન
વર્ષ 2019માં રાજકોટની સરસ્વતી શિશુ મંદીર સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ સમયે તેમને મીડિયા સાથેની વાતચીતમાં બાપાએ જણાવ્યું હતું કે, હું હાલ ગાંધીનગર ખાતે રહું છું અને ઇચ્છું તો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં મારુ નામ મતદાર યાદીમાં નોંધાવી શકું છું પરંતુ મે રાજકોટ ખાતે જ મારું નામ ચાલુ રાખ્યું છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ મારું વતન છે અને વતનમાં જ હું મતદાન કરું એ યોગ્ય ગણાય.
રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં દુઃખની લાગણી
વર્ષોથી ગાંધીનગર ખાતે રહેવા ગયેલા બાપા દર વખતે ચૂંટણી દરમિયાન રાજકોટ ખાતે મતદાન માટે અચૂક આવતા હતા. જેને લાઈને રાજકોટ ખાતે તેમનો અતૂટ નાતો જોવા મળતો હતો. આજે કેશુબાપાની વિદાયથી રાજકોટ અને સૌરાષ્ટ્રભરના તેમના સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.