- મહીસાગર નદીમાં ડિટોનેટરથી ધડાકા કરી માછલીઓ મારવાનું કૌભાંડ
- ડિટોનેટર-જીલેટિનના ટોટા સાથે ઉમરેઠનો એક શખ્સ ઝડપાયો એક ફરાર
- જિલ્લા એસઓજીએ ભાગી ગયેલા શખ્સની શોધખોળ હાથ ધરી
વડોદરા : સાવલી તાલુકાના લાંછનપુર ગામમાં મહિસાગર નદીમાં ધડાકા કરીને હજારો માછલીઓના મોત નીપજાવવા માટે ડિટોનેટર અને જીલેટીનના ટોટા લઈને આવેલા ઉમરેઠના બે યુવકો પૈકીના એકને જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યો હતો. જયારે તેનો સાગરીત પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. પોલીસે ઝડપાયેલા યુવક પાસેથી ડિટોનેટર અને જીલેટીનના ટોટા કબજે કરી તેના ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે 560 રૂપિયાનો બિનઅધિકૃત એક્સપ્લોઝીવનો જથ્થો કબજે કર્યો
જોકે, પોલીસને જોતા બંને યુવકોએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તે પૈકીના 38 વર્ષીય પ્રવિણ બુધાભાઈ ઝાલા સુંદલપુરા , તા.ઉમરેઠ , આણંદને ઝડપી પાડ્યો હતો. જયારે તેનો સાગરીત ગબો ઠાકોર પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. પોલીસે પ્રવિણ ઝાલાની અંગજડતી તેમજ થેલીમાં તપાસ કરતા તેની પાસેથી ચાર ડિટોનેટર અને અક્સપ્લોઝીવ જીલેટીનના 10 ટોટા મળી આવ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં પ્રવિણ અને ગબો મોડી રાત્રે નદી કિનારે કોઈ હાજર ન હોઈ તેનો લાભ લઈને મહિસાગર નદીમાં ડિટોનેટર અને જીલેટીનના ટોટાના ધડાકા કરીને એક સાથે હજારો માછલીઓના મોત નીપજાવી જાળ ફેંક્યા વિના માછીમારી કરવા માટે આવ્યા હતા. પોલીસે પ્રવિણની ધરપકડ કરી તેની પાસેથી 560 રૂપિયાનો બિનઅધિકૃત એક્સપ્લોઝીવનો જથ્થો કબજે કર્યો હતો અને તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.