રાજકોટઃ ગોંડલ તાલુકાના એક ગામે રહેતી 25 વર્ષીય મનો દિવ્યાંગ યુવતિ પર એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ દૃષ્કૃત્યમાં આરોપીને સાથ આપનારા બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે. ઘટના બાદ ત્રણેય આરોપી નાસી ગયા હતા. ગ્રામ્યજનોની જાગૃતિને પરિણામે ત્રણેય આરોપીઓ અત્યારે આટકોટ પોલીસ સ્ટેશન ભેગા થયા છે.
સમગ્ર ઘટનાક્રમઃ ગોંડલ તાલુકાના એક ગામમાં રહેતી મનો દિવ્યાંગ યુવતિ કે જેની ઉંમર 25 વર્ષ છે તે તેના પરિવાર સાથે રહે છે. બનાવના દિવસે બપોરે યુવતિ ઘરમાં એકલી હતી. આ સમયે તેણીના ઘરમાં અક્ષય બાબરીયા, રોઝી ખેડા અને હરેશ પરમાર નામના ત્રણ નરાધમોએ બદઈરાદે પ્રવેશ કર્યો હતો. આ ત્રણ પૈકી એક આરોપી અક્ષય બાબરીયાએ બળાત્કાર કર્યો જ્યારે બે આરોપીઓએ મદદગારની ભૂમિકા નિભાવી હતી. બળાત્કાર બાદ આ ત્રણેય આરોપીઓ ચપ્પલ મુકીને નાસી ગયા હતા. ગામમાં ઘટનાની જાણ થતાં જ ચકચાર મચી ગઈ હતી. આ ત્રણેય આરોપીઓ પર સમગ્ર ગામે ફિટકાર વરસાવ્યો હતો. ગણતરીના કલાકોમાં ગામના યુવાનોએ નાસી ગયેલા આ ત્રણેય આરોપીઓને પકડીને આટકોટ પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા. આટકોટ પોલીસે આ ત્રણેયની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
અટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામમાં શારીરિક અને માનસિક અસ્વસ્થ 25 વર્ષીય યુવતિ ઘરે એકલી હતી ત્યારે એક આરોપીએ તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને બે આરોપીઓએ મદદગારની ભૂમિકા ભજવી હતી. પાડોશીઓને આ ઘટનાની જાણ થતા આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છુટ્યા હતા. અત્યારે આટકોટ પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. તેમજ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે...કે.જી. ઝાલા(DySP, ગોંડલ ડિવિઝન)