રાજકોટ : રાજકોટ જિલ્લામાં મંગળવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં બપોરથી લઈને સાંજ સુધીમાં પડેલા વરસાદમાં સૌથી વધુ સાંબેલાધાર વરસાદ રાજકોટના ધોરાજીમાં પડ્યો છે. ધોરાજીમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે પરિણામે ધોરાજીમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે ઉપલેટામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જ રાજકોટ જિલ્લાના લોધિકા, કોટડા સાંગાણી, જસદણ, ગોંડલ, જામકંડોરણા, જેતપુર અને વીંછીયામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.
વાહનો પાણીમાં તરતા લાગ્યા : રાજકોટ જિલ્લામાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. તો બીજી બાજુ અસહ્ય ઉકળાટ અને ગરમીના કારણે લોકો બફારો સહન કરી રહ્યા હતા. જેમાં બપોરે અચાનક વાતાવરણમાં પલટાની સાથે જ વરસાદ શરૂ થયો હતો. જેમાં મંગળવારે સૌથી વધુ સાંબેલાધાર રાજકોટના ધોરાજીમાં વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે ધોરાજી શહેરમાં વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા તો આ સાથે ઉપલેટામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.
ઉપલેટામાં વરસાદની સ્થિતિ : ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો જેવા કે જૂનાગઢ રોડ, જમનાગઢ રોડ, સ્ટેશન રોડ, જેતપુર રોડ, શાક માર્કેટ અને પંચનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ઉપલેટામાં ધોધમાર વરસાદના કારણે અશ્વિન ચોક, રાજમાર્ગ, ગાંધી ચોક, બડા બજરંગ રોડ અને કટલેરી બજાર વિસ્તારોની અંદર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા.
ડેમના દરવાજા ખોલાયા : રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદમાં ધોરાજી ભાદર બે ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે ઉપલેટાના મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા 3 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. આ સાથે જ ભાદર તેમજ મોજ નદી કાંઠાના લોકોને નદીના પટમાં ન જવું તેમજ નીચાણવાળા વિસ્તારોને સતત રહેવા માટેની કંટ્રોલરૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ક્યાં કેટલો વરસાદ : જિલ્લા કંટ્રોલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ ધોરાજીમાં 42.64 ઈંચ, સૌથી ઓછો વરસાદ વીંછીયામાં 9.56 ઈંચ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 18 જુલાઈ 2023ના રોજ સાંજના 06:00pm વાગ્યા સુધીમાં પડધરીમાં 11.16 ઈંચ, રાજકોટ શહેરમાં 13.96 ઈંચ, લોધિકામાં 19.76 ઈંચ, કોટડા સાંગાણીમાં 19.84 ઈંચ, જસદણમાં 11.24 ઈંચ, ગોંડલમાં 18.08 ઈંચ, જામકંડોરણામાં 33.96 ઈંચ, ઉપલેટામાં 38.04 ઈંચ, ધોરાજીમાં 42.64 ઈંચ, જેતપુરમાં 30.68 ઈંચ, વિંછીયામાં 9.56 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.