રાજકોટ : ઉપલેટા પંથકમાં આવેલી હજારો હેક્ટર ખેતી પર તારાજી સર્જાઇ છે. કારણ કે, તાજેતરમાં પડી રહેલા વરસાદથી ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલા મોલ ડૂબી ગયો છે. તો ક્યાંક ધોધમાર વરસાદથી ખેતરો જાણે તળાવ હોય તેવ દ્રશ્યો સર્જાય છે. ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદથી નદી કાંઠા વિસ્તારની ખેતીની જમીનોમાં વરસાદી પાણી ધુસતા જમીનો જાણે નદી હોય તેમ ખેતરોમાંથી નદીઓના પાણી વહેતા જોવા મળ્યા છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.
છેલ્લા ઘણા દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ શરૂ છે. ઉપલેટા પંથકમાં પડેલા વરસાદથી ભાદર કાંઠાના હજારો હેક્ટર જમીનમાં કરેલા પાકમાં નુકશાની થઈ રહી છે. આ પંથકમાં હાલ ખેડૂતોના મોલમાં દીકરાની જેમ સાચવેલ હોય તે મોલ નુકશાની પામ્યો છે. ઉપલેટા પંથકની હજારો હેક્ટરમાં થયેલ નુક્ષણીમાં તંત્રની સંકલનની કામગીરી બરોબર ના હોય તેના કારણે આ સમસ્યાનો સામનો થતો હોય છે. હાલ આ નુકશાની બાદ ખેડૂતોને જમીનોમાં ફરી વાવવા લાયક બનાવી અને ફરી વાવેતર કરવું પડશે, પરંતુ આ નુકશાની અંગે સરકાર સહાય કરે તેવી માંગ કરી છે. - મેહુલ ચંદ્રવાડિયા (ખેડૂત, ઉપલેટા)
ખેડૂતોને માથે હાથ દેવાનો વારો : ઉપલેટા પંથકના મોજ, ભાદર અને રૂપાવટી નદી કાંઠામાં આવેલા ખેતરોમાં વરસાદથી ક્યાંક ધોવાણ થયું છે. તો ક્યાંક ખેતર જાણે તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી ઉપલેટા પંથકના ખેડૂતોએ કરેલા ચોમાસું પાકમાં વરસાદે પાણી ફેરવી દેતા બે-બે ત્રણ-ત્રણ વખત કરેલા વાવેતર આજ વખતે સાવ ધોવાઈ ગયા છે. આ ઉપરાંત અહિયાં પાકની સાથે જમીનો પણ ધોવાઈ ગઈ છે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે, ત્યારે આ બાબતે સરકાર નુકશાની અંગેનો સર્વે કરાવી સહાય આપે તેવી માંગ કરી છે.
ધોરાજી તેમજ ઉપલેટા વિસ્તારની અંદર છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઘોડાપૂરના કારણે નદી કાંઠાના ગામો તેમજ નદી કાંઠે આવેલા ખેતર વિસ્તારની અંદર ધોવાણ થઈ ગયું છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને સર્વે કરાવી વહેલી તકે અને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ પણ કરવામાં આવશે. - લલિત વસોયા (માજી ધારાસભ્ય, ધોરાજી-ઉપલેટા)
નિયમ અનુસાર સર્વે : આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી હરેશ ઘોરીએ જણાવ્યું છે કે, ઉપલેટા પંથકની અંદર આ વખતની ચોમાસું સિઝનમાં મગફળી, કપાસ, એરંડા અને સોયાબીનના પાકોનું વાવેતર થયું છે. આ પાકોમાં ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર મુખ્ય પાકો તરીકે મગફળી અને કપાસનું વાવેતર થાય છે. હાલ વરસાદને લઈને ઉપલેટા પંથકના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જે પાણી ઓસર્યા બાદ પ્રાથમિક તપાસ અંગે રૂબરૂ મુલાકાતો લેવામાં આવશે અને બાદમાં સરકાર તરફથી જ્યારે સૂચના આપવામાં આવશે, ત્યારે સરકારના નિયમ અનુસાર સર્વે કરાવી અને સરકારમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
- Rajkot News : ગામમાં બસ શરુ થતાં ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શાળામાં ડગલા માંડશે, ETV BHARATના અહેવાલથી ST તંત્ર જાગ્યું
- Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ
- Rajkot News : સૌરાષ્ટ્રમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 105 ડેમોનું કરાયું નિર્માણ, અનેક ડેમ પાણીથી ભરાયા