રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. રાજકોટ શહેરની એમ.જે કુંડલીયા કોલેજના પ્રોફેસર જ્યોતીન્દ્ર જાની દ્વારા વિદ્યાર્થિનીનું યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો મામલો બહાર આવ્યો હતો. ત્યારે હવે એમ જે કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. પરંતુ બીજી તરફ જ્યોતિન્દ્ર જાની દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં પોતે નિર્દોષ હોવાનું તેમણે જણાવ્યું છે.
આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અમને બોલાવવામાં આવ્યાં હતાં. અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગયા હતાં જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અમને તમામ વિગતો આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે એમ. જે કોલેજના પ્રોફેસર જ્યોતેન્દ્ર જાની દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતી વિદ્યાર્થિનીને હેરાન કરવામાં આવી છે. જ્યારે આ પ્રકારની વિગતો સામે આવતા અમે અમારી કોલેજની ટ્રસ્ટીઓ અને એડવોકેટ સહિતના લોકોની બેઠક બોલાવી હતી. જેમાં અમે ઠરાવ કર્યો છે કે જ્યોતીન્દ્ર જાનીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને હાલ અમે તેમને સસ્પેન્ડ કર્યા છે. આ પ્રકારની ઘટના બાદ જ્યોતિન્દ્ર જાની કોલેજ પણ આવ્યાં નથી. તેમજ અમને મળવા પણ આવ્યાં નથી. જ્યારે તેમના દ્વારા અમને એક પત્ર લખવામાં આવ્યો છે કે હું ત્રણ દિવસ સુધી કોલેજે આવીશ નહીં ત્યારે અમે આજથી જ તેમને સસ્પેન્ડ કર્યા છે...નવીન ઠક્કર (એમ.જે કુંડલીયા કોલેજના ટ્રસ્ટી)
દીકરી કોણ છે તે પણ અમને નથી ખબર : કોલેજના ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા મામલે અમને 7 દિવસની અંદર નિર્ણય લેવાનો જણાવાયુ હતું. પરંતુ અમે બીજા જ દિવસે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કર્યા છે. યૌન શોષણ મામલે જે દીકરીએ ફરિયાદ કરી છે તે દીકરી કોણ છે તેની પણ અમને જાણ નથી, યુનિવર્સિટીને આ તમામ ઘટનાની જાણ છે. જ્યારે પ્રોફેસર અમારી કોલેજના છે. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અમને આ મામલે કાર્યવાહી કરવાનું કરવામાં આવ્યું હતું. જેના આધારે અમે પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા છે અને આ મામલે અમે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશું.
કોલેજ દ્વારા એકપક્ષીય નિર્ણય કરાયો? : જ્યારે સામે છેડે આરોપી પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે 2012થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મને પીએચડી ગાઇડશિપની માન્યતા આપવામાં આવેલી છે. આજ તારીખ સુધીમાં 12 સંશોધનકર્તાઓને સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા મને ફાળવવામાં આવ્યા છે. જેમાં 6થી વધુ બહેનો છે અને કુલ 10 વિદ્યાર્થીઓએ પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કરી પીએચડીની ડિગ્રી મેળવી લીધેલી છે અને 2 વિદ્યાર્થીઓનું સંશોધન કાર્ય હાલમાં ચાલુ છે. હું છેલ્લા 17 વર્ષથી મહિલા કોલેજમાં ફરજ બજાવું છું અને મારી અત્યાર સુધીની કારકિર્દીમાં કોઈપણ પ્રકારના આક્ષેપો થયા નથી. હાલમાં સંશોધન કાર્ય કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ મારા વિરુદ્ધ લેખિત ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કાર્યવાહી કરી તેનો એકપક્ષીય રિપોર્ટ મારા કોલેજ મેનેજમેન્ટેે કરેલો છે.