રાજકોટ : જન્માષ્ટમી પર્વના પાંચ દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને મોટા પ્રમાણમાં આવક થવા પામી છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટ એસટી વિભાગને રુપિયા 3 કરોડથી વધુની આવક થઈ છે. જ્યારે જન્માષ્ટમીને લઈને એસટી વિભાગ દ્વારા 70 કરતાં વધુ એક્સ્ટ્રા બસો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના રૂટ પર શરૂ કરવામાં આવી હતી. ત્યારે તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં લોકોએ એસટી બસનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને આ વર્ષે એસટી વિભાગને જન્માષ્ટમી દરમિયાન 3 કરોડથી વધુની આવક થવા પામી છે.
મુસાફરોએ મોટા પ્રમાણમાં લીધો એસટી બસનો લાભ : આ મામલે રાજકોટ એસટી વિભાગના નિયામક જે. બી. કલોતરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને વધુ બસ દોડાવવામાં આવી હતી.
રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટથી અમદાવાદ, રાજકોટથી મોરબી જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં 70થી વધુ એસટી બસો એક્સ્ટ્રા શરૂ કરી હતી. જેના કારણે રાજકોટ એસટી વિભાગને છેલ્લા 5 દિવસની અંદર રૂપિયા 3કરોડથી વધુની આવક થઈ છે. જે એસટી વિભાગના અત્યાર સુધીમાં ઇતિહાસમાં સૌથી વધુ આવક નોંધાઇ છે. તહેવારો દરમિયાન મુસાફરોને સહેલાઈથી બસ મળી રહે તે માટે અમે મુસાફરોના એડવાન્સ બુકિંગને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિસ્તારમાં એક્સ્ટ્રા બસો દોડાવી હતી...જે. બી. કલોતરા ( નિયામક, રાજકોટ એસટી વિભાગ )
એક દિવસમાં રુપિયા 89 લાખની આવક : એસટી નિયામકે વધુમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 9નાં રોજ રાજકોટ અમદાવાદ વચ્ચે 13 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવી હતી. એટલે કે તારીખ 9ના એક જ દિવસમાં રાજકોટ એસટી વિભાગને રૂપિયા 89 લાખની આવક થઈ છે. બીજી તરફ મુસાફરોએ પણ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મોત પ્રમાણમાં એસટી બસોનો લાભ લીધો હતો.
વિભાગમાં ખુશીનો માહોલ : જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌથી વધુ ટ્રાફિક રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ યાત્રાધામો ઉપર જોવા મળ્યું હતું. ત્યારે બસો પણ આ રૂટ પર એક્સ્ટ્રા મુકવામાં આવી હતી જેનો લાભ મુસાફરોએ લીધો હતો. ત્યારે એસટી વિભાગને આ વર્ષે સાતમ આઠમ દરમિયાન 3 કરોડથી વધુની આવક થતા એસટી વિભાગમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.