રાજકોટ : રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ બે કેદીઓને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ બંને કેદીઓ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતાં જ્યારે બંને હત્યાના ગુન્હામાં આ સજા કાપી રહ્યાં હતાં.. એવામાં આ બંને કેદીઓના સારા વર્તાવના કારણે સરકાર દ્વારા આ બંને કેદીઓને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ બન્ને કેદીઓને આજે રાજકોટ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. તેમજ તેમને પોતાના આગળના જીવનને સારી રીતે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયા વગર પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને કેદી હત્યાના ગુનામાં હતાં જેલમાં બંધ : આ અંગે રાજકોટ નાયબ જેલ અધિક્ષક એમ.આર ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આકેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતાં.
કલમ નંબર 302 સહિતની વિવિધ કલમો હેઠળ આ કેદીઓને આજીવન કેદીની સજા કરવામાં આવી હોય અને તેઓ રાજકોટ જેલમાં બંધ હોય અને 14 વર્ષ કરતા વધુ સમય જેલમાં પસાર કર્યા હોય આવા કેદીઓના કેસ જેલ એડવાઈઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારે આવા કુલ 79 કેસ રાજકોટ જેલ દ્વારા બોર્ડમાં મૂકવામાં આવ્યા હતા. જેમના બે કેદીઓ ઓઢવજીભાઈ હરજીભાઈ અને ભીખાભાઈ હરજીભાઈ બન્ને કેદીઓ રાજકોટ જેલમાં ખુનના કેસની સજા હેઠળ દાખલ થયા હતા. જેમની હવે બાકીની સજા સરકાર દ્વારા માફ કરવામાં આવી છે...એમ.આર ઝાલા ( નાયબ જેલ અધિક્ષક, રાજકોટ )
કેદીઓ જેલમાંથી બહાર જઈને વ્યવસાય કરશે : નાયબ જેલ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જેલમાં ઓઢવજીએ 15 વર્ષની સજા ભોગવી છે. તેમજ ભીખાભાઈ હરજીભાઈ 20 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે. ત્યારે આ બન્ને કેદીઓને જેલમાં જે કામ આપવામાં આવ્યું હતું. જે કામ બંને કેદીઓએ સંતોષકારક રીતે કર્યું હતું. જ્યારે ઓઢવજીભાઈ જેલમાં હજામનું કામ કરતા હતા તેમજ ભીખાભાઈ ગૌશાળામાં પશુ પાલનનું કામ કરતા હતા. આ બંને કેદીઓ બહાર જઈને પોતે જે કામ જેલમાં કરતા હતા તેજ બહાર કરશે તેવું જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને સરકાર દ્વારા જેલમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવતા કેદીઓના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.