રાજકોટ : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજકોટના ચિત્રકારનો ઉલ્લેખ કર્યો હતો. રાજકોટના ચિત્રકારે શિવાજી મહારાજના જીવન પ્રસંગ પર એક પેઇન્ટિંગ તૈયાર કર્યું અને તે પેન્ટિંગ તૈયાર કરતા તેમને 15 વર્ષનો સમય લાગ્યો હતો. આ બાબતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બિરદાવી હતી. તેમણે કહ્યું કે, રાજકોટનાં કલાકાર સ્વ. પ્રભાતસિંહ બારહટે છત્રપતિ શિવાજી મહારાજનાં જીવનનાં એક પ્રસંગ આધારિત એક ચિત્ર બનાવ્યું હતું. જેમાં દર્શાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક બાદ તેમના કુળદેવી તુલજા માતાનાં દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે કેવો માહોલ હતો. આપણી પરંપરાઓને જીવંત રાખવા માટે આવી બાબતો નવી પેઢીને જણાવવી જરૂરી છે. મને ખુશી છે કે, હાલ આ દિશામાં કામ થઈ રહ્યું છે.
ચિત્રકારના વખાણ વડાપ્રધાને કર્યા : સુપ્રસિદ્ધ ચિત્રકાર સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટ કાઠિયાવાડી અશ્વો અને ઐતિહાસિક પાત્રોના ચિત્રો સર્જનાર અભ્યાસી ચિત્રકાર હતા. તેમને પોતાની કલાકારી દ્વારા અનેકવિધ ચિત્રો તૈયાર કર્યા હતા. પરંતુ આપણે વાત કરીશું એક એવા ચિત્રની કે જેના વખાણ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાને રોકી શક્યા ન હતા. પ્રભાતસિંહ બારહટની આ પેન્ટિંગનુ નામ "શિવાજીની સવારી" આપવામાં આવ્યું હતું. વર્ષ 2018માં પ્રભાતસિંહ બારહટનું અવસાન થયું હતું.
પરિવારનું નિવેદન : સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટના ભાઈ ભગીરથસિંહએ જણાવ્યું હતું કે, કુલ 888 મીટરની આ પેઇન્ટિંગની લંબાઈ છે અને 20 મીટર સુધી ડ્રોઈંગ કરેલ છે. કેન્દ્ર સરકારના સહયોગ દ્વારા પોતાના મોટા ભાઈનું સ્વપ્ન સાકાર થાય તેવી તેમની પ્રબળ ઈચ્છા છે. તેમના મોટાભાઈ પ્રભાતસિંહ જ્યારે આ ચિત્ર બનાવતા હતા ત્યારે તેમને કોઈએ પૂછ્યું હતું કે આટલી બધી મહેનત કરો છો તેમનો અર્થ શું છે? ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે સંસદમાં 350થી વધુ સીટો હશે ત્યારે આ ચિત્રની કદર થશે. પ્રભાતસિંહના પત્નીને પણ સાથેની વાતચીતમાં ભાવુક અવાજે જણાવ્યું હતું કે, આજે તેમના પતિના આત્માને સાચી શાંતિ મળશે. આજે તે જ્યાં પણ હશે ત્યાં તેમનો આત્મા ખૂબ રાજી થતો હશે.