રાજકોટ : રાજકોટના 56 વર્ષીય જ્યોતિબેન સોરઠીયાનું દિવાળી પર્વ દરમિયાન અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે નવા વર્ષની રાતે અવસાન પામેલા જ્યોતિબેનના લિવર, કિડની, આંખ, ત્વચા સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આમ રાજકોટમાં આ 108મુ અંગદાન નવા વર્ષના રોજ થયું હતું. જેને લઇને અન્ય લોકોમાં જીવનમાં દીવાળીમાં પ્રકાશ પથરાયો હતો.
જ્યોતિબેન માથામાં દુખાવો થયો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દિવાળીના દિવસે જ સવારમાં રાજકોટમાં રહેતા સોરઠીયા પરિવાર પર આભ ફાટ્યું હોય એવી મુશ્કેલી આવી ગઈ. પરિવારના મોભી એવા 56 વર્ષના જ્યોતિબેનને અચાનક જ માથામાં દુખાવો થયો સાથે ઉલટી થઈ અને ખેંચ આવવાની સાથે બેભાન થઈ ગયાં હતાં. તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકની લોટસ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં
બ્રેઇન ડેડ થયાં તેઓને વધારે તપાસ માટે એચ જે દોશી હોસ્પિટલમાં સિટી સ્કેન કર્યો જેમાં માલુમ થયું કે જ્યોતિબેનના મગજમાં લોહીની ધમનીમાં મોરલી (એન્યુરીઝમ) ને કારણે ખૂબ જ મોટું હેમરેજ થઈ ગયું છે. આથી તાત્કાલિક વેન્ટિલેટરનો સપોર્ટ આપી વધારે સારવાર અર્થે સ્ટર્લીંગ હોસ્પિટલ, રાજકોટમાં દાખલ કરવામાં આવ્યા. સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડો મયંક વેકરીયા તથા ડો હાર્દ વસાવડાની ન્યુરોસર્જનની ટીમ હેઠળ સઘન સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ આમ છતાં જ્યોતિબેનના મગજમાં ખૂબ જ મોટું હેમરેજ હોવાને લીધે કોઈ પણ સુધારો થયો નહીં અને તેમનું બ્રેઈન ડેડ થયું છે એવું જાહેર કરવામાં આવ્યું હતું.
તબીબોએ તહેવાર દરમિયાન પણ બજાવી ફરજ જ્યારે જ્યોતિબેનનું બ્રેઈન ડેડ થતા તે સમયે ફરજ પર હાજર તબીબોએ જ્યોતિબેનના નજીકના સગા સંબંધીઓને જ્યોતિબેનના અંગદાન કરી બીજા ઘણા દર્દીઓને મદદ કરી શકાય એ બાબત સમજાવી હતી. જે દરમિયાન જ્યોતિબેનના પતિ દિનેશભાઈ, પુત્ર ધવલભાઈ, પુત્રવધુ નેહાબેન અને પુત્રી આરતીબેને અંગદાન માટે સહમત થયાં હતાં. પરિવારજનોની મંજૂરી આપવાની સાથે જ સ્ટર્લીંગ હોસ્પિટલની તબીબોની ટીમ દ્વારા જ્યોતિબેનના ઇલેક્ટ્રોલાઇટ, વેન્ટિલેટર, બ્રેઇન ડેડ માટેના ટેસ્ટ તથા કિડની, લીવર, હૃદય, ફેફસાના ટેસ્ટ કરવાનું કાર્ય કર્યું. આ જટિલ પ્રક્રિયા માટે ગુજરાત સરકારની અંગદાનનું નિયંત્રણ કરતી સંસ્થા SOTTO સાથે કોર્ડીનેશન કરવામાં આવ્યું. SOTTO દ્વારા નક્કી કરાયેલ લીવર ટ્રાન્સપ્લાન્ટ રીસીપીયન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના હોવાથી ઝાયડસ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા લીવર અને કિડનીના હાર્વેસ્ટિંગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
જરૂરિયાતમંદ દર્દીઓ મળશે નવી જિંદગી જ્યોતિબેનના ચક્ષુનું દાન ડો ધર્મેશ શાહની ટીમ દ્વારા અને ત્વચાદાન રોટરી ક્લબ સંચાલિત સ્કીનબેંકની ટીમ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ આવી રીતે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 108મું અંગદાનનું ઓપરેશન કરવામાં આવ્યું. જ્યારે ગ્રીન કોરિડોર માટેની જવાબદારી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર હર્ષિતભાઈ કાવરે ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યોતિબેનના પરિવારજનોના આ કાર્યને લીધે જરૂરિયાતમંદ દર્દીઓને નવી જિંદગી મળશે. બે દર્દીઓને નવી દ્રષ્ટિ મળશે અને ઘણા દાઝેલા દર્દીઓને ત્વચા મળશે.