રાજકોટ : રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલા રાજકમલ ફર્નિચરના કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો. આગને પગલે 8 જેટલા ફાયર ફાઈટર આગ બુઝાવાની કામગીરીમાં લાગ્યા હતાં. આગ લાગવાની ઘટનાને પગલે 50થી વધુ મજૂરો આ કારખાનામાં કામ કરી રહ્યા હતાં. તેમને હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં.
70 લાખથી વધુનું નુકસાન : જ્યારે કારખાનામાં રહેલો સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે અંદાજિત રૂપિયા 70 લાખથી વધુનું નુકસાન આગ લાગવાની ઘટનાને પગલે થયું છે. જોકે આ આગ લાગવાની ઘટનામાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ આગ લાગવાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ : આગ લાગવાની ઘટનાને પગલે કારખાનાના માલિક રાજેશ પરસાણાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા શ્રમિકો રોજની જેમ કામ કરી રહ્યા હતા. એવામાં ઇલેક્ટ્રીકની કામગીરી દરમિયાન સ્પાર્ક થયો હતો. જે ફર્નિચર પર પડ્યો હતો. જેના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ આગ લાગવાની ઘટનામાં અમારા શો રૂમમાં અને કારખાનામાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે અમે અહીંયા ફર્નિચર મેન્યુફેક્ચરિંગનું કામ કરતા હતા. અમારી કંપનીમાં 60 જેટલા શ્રમિકો કામ કરતા હતા તે તમામ શ્રમિકો હાલ સુરક્ષિત છે. આ આગ લાગવાની ઘટનામાં કારખાનામાં અંદાજિત 60 થી 70 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું છે. અમારા કારખાનામાં ફાયર સેફટીની તમામ વસ્તુઓ છે પરંતુ આગ લાગવાની ઘટનામાં એક પણ વસ્તુઓ કામ આવી નહીં...રાજેશ પરસાણા(કારખાનાના માલિક)
ફાયર વિભાગની 8 ગાડીઓ દોડી : જ્યારે આગ મામલે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચીફ ઓફિસર આઈવી ખેરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરના સમયે મવડી વિસ્તારમાં આવેલા આનંદ બંગલા ચોકમાં એક ફર્નિચરના શોરૂમમાં અને કારખાનામાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડની થઈ હતી. જેના કારણે મવડી ફાયર બિગેડની ટીમ તાત્કાલિક અહીંયા પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. જ્યારે માત્ર ઉપરના ફ્લોર ઉપર જ થોડી ઘણી આગ છે તે પણ કાબુમાં આવી જશે. હાલ આઠ જેટલી ફાયર વિભાગની ગાડીઓ અહીંયા ઘટના સ્થળ ઉપર રાખવામાં આવી છે અને 50 જેટલા શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે હજુ સુધી આ આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી.