રાજકોટ : આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવનાર છે. એવામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને વેચાણ કરતા વેપારીઓ વધુ પૈસા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એલર્ટ થયું છે. જે અંતર્ગત શહેરના વિવિધ એકમોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે તપાસ ચાલી રહી છે.
ફૂડ વિભાગના દરોડા : આજે રાજકોટના મોરબી રોડ ઉપર ફૂડ વિભાગની ટીમ દ્વારા સીતારામ ડેરીના ઉત્પાદન સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 4500 કિલો જેટલો મીઠાઈ બનાવવાનો ડુપ્લીકેટ મીઠો માવો ઝડપાયો છે. આ સાથે જ વાસી મીઠાઈ અને શિખંડનો જથ્થો પણ ફૂડ વિભાગને તપાસ દરમિયાન મળી આવ્યો હતો. જે મામલે હાલ ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડુપ્લીકેટ મીઠાઈનો માવો : આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ઓફિસર હાર્દિક મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ સીતારામ ડેરીના ઉત્પાદન સ્થળે ડુપ્લીકેટ માવો અને ભેળસેળયુક્ત મીઠાઈનો જથ્થો જોવા મળી રહ્યો છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા મોરબી રોડ ઉપર આવેલા રાધિકા પાર્કના મકાનમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે અહીંયા તમામ વસ્તુઓનું સંચાલન અશોકભાઈ સંખાવડા દ્વારા કરવામાં આવતું હતું.
અહીંથી મળી આવેલ ભેળસેળયુક્ત માવામાં વેજીટેબલ ફેટ અને ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ આ ખાદ્ય પદાર્થો ઉપર ફૂગ પણ જામી ગયેલી જોવા મળી રહી છે. આ પ્રકારના માવામાંથી બનેલી મીઠાઈનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ અથવા તો પેટની ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. -- હાર્દિક મહેતા (ઓફિસર, રાજકોટ મનપા ફૂડ વિભાગ)
4700 કિલો અખાદ્ય પદાર્થ : ફૂડ વિભાગને મોરબી રોડ ઉપર આવેલા સીતારામ ફર્મના ઉત્પાદન સ્થળેથી 4500 કિલો જેટલો ડુપ્લીકેટ મીઠો માવો, 60 કિલોગ્રામ જેટલો વાસી શિખરનો જથ્થો, તેમજ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા 150 kg જેટલી વાસી મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ વસ્તુઓનો ફૂડ વિભાગ દ્વારા ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ખાદ્ય પદાર્થોમાં ફૂગ પણ ચડી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 4500 કિલો જેટલો ડુપ્લીકેટ મીઠો માવો ઝડપાવાની ઘટના પ્રથમ વખત સામે આવી છે. ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.