- દેશભરના ખેડૂતો દ્વારા 8 તારીખે ભારત બંધનું એલાન
- રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ પણ ખેડૂતોના સમર્થનમાં
- યાર્ડમાં હાલ પૂરતી મગફળીની નવી આવક બંધ
રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા બિલને લઇને હાલ દેશભરના ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. જેને લઇને આવતીકાલે એટલે કે 8 તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને વિવિધ રાજકીય પક્ષો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ પણ ખેડૂતોના સમર્થનમાં જોડાશે અને એક દિવસ માટે યાર્ડને બંધ રાખશે. જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસ અને એનસીપી નેતા રેસમા પટેલે પણ મોટી સંખ્યામાં બંધમાં જોડાવવા માટે ગુજરાતના લોકોને અપીલ કરી છે.
યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવી એક પ્રેસનોટ
રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના ભારત બંધને સમર્થને આપી રહ્યું છે. જેને લઇને આવતી કાલે યાર્ડ બંધ રહેશે. ત્યારે આજે યાર્ડ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને આવતીકાલે યાર્ડ બંધ હોવાના કારણે પોતાનો માલ લઈને યાર્ડ ખાતે ન આવવા માટેની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટમાં ખુલ્લી બજારમાં મગફળીની હરાજી થઈ રહી છે. જેને લઇને મોટા પ્રમાણમાં ખેડૂતો વહેલી સવારથી જ પોતાનો માલ લઈને યાર્ડ ખાતે લાઈનમાં ઊભા રહી જાય છે. જ્યારે આવતીકાલે બંધને લઈને યાર્ડ ખાતે ખેડૂતોને પોતાનો માલ ન લઇને આવવાની અપીલ કરવામાં આવી છે.
આજે યાર્ડમાં 1.50 લાખ મગફળીની બોરીની આવક
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ મળી રહ્યા હોવાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો ખુલ્લી બજારમાં વેચવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે યાર્ડ ખાતે 1.50 લાખ મગફળીની બોરીની આવક નોંધાઇ હતી. માર્કેટિંગ યાર્ડ આખું મગફળીની બોરીથી છલોછલ જોવા મળ્યું હતું. જેને લઇને યાર્ડમાં હાલ પૂરતી મગફળીની નવી આવક બંધ કરવામાં આવી છે. જ્યારે આ તમામ મગફળી વેચાઇ જશે ત્યારે જ નવી આવકને ફરી શરૂ કરવાનો નિર્ણય માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.