રાજકોટઃ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રક્ષાબંધનની દેશભરમાં ઠેર ઠેર અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે અને બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. આ પવિત્ર તહેવાર સંદર્ભે રાજકોટમાં આવેલા લોધાવાડ વિસ્તારના જૈન બાલ આશ્રમના દિવ્યાંગ બાળકો રાખડીઓ તૈયાર કરે છે. આ દિવ્યાંગ બાળકો દૈનિક 200 જેટલી અલગ અલગ પ્રકારની રાખડીઓ તૈયાર કરે છે. તૈયાર થયેલ રાખડીઓનું વેચાણ પણ કરવામાં આવે છે.દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવતી રાખડીઓને ગ્રાહકો હોંશભેર ખરીદે છે.
છેલ્લા 11 વર્ષથી ચાલે છે આ સદકાર્યઃ સેતુ ફાઉન્ડેશન છેલ્લા 11 વર્ષથી કાર્યરત આ સદકાર્ય કરી રહ્યું છે.આશ્રમમાં દિવ્યાંગ બાળકો કરી રહ્યા છે વિવિધ ક્રિએટિવ એક્ટિવિટીઝ. આ એક્ટિવિટીઝની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. ગ્રાહકો પણ હોંશભેર આ હેન્ડમેડ પ્રોડક્ટ ખરીદતા હોવાથી દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધી રહ્યો છે. જેના પરિણમે સેતુ ફાઉન્ડેશન વિવિધ સદકાર્યો કરી શકે છે. છેલ્લા 11 વર્ષથી સેતુ ફાઉન્ડેશન દિવ્યાંગ બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ છે.
સેતુ ફાઉન્ડેશન છેલ્લા 11 વર્ષથી સદકાર્યો કરી રહ્યું છે. જેમાં દિવાળીના વેકેશન બાદ આખા વર્ષ દરમિયાન અમારી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જ્યારે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે બે મહિના અગાઉ અમે રાખડી બનાવવાની તમામ વસ્તુઓ ઓનલાઇન મંગાવીએ છીએ. તેમજ રાખડી બનાવવા માટેનું સેમ્પલ અમારા બાળકોને આપવામાં આવે છે અને જેના આધારે અમારા બાળકો હાથે જ રાખડીઓ તૈયાર કરે છે. જ્યારે અમારા આશ્રમના 8 થી 10 જેટલા બાળકો જાતે જ આ રાખડી બનાવી શકે છે બાકીના બાળકોને અમારી સંસ્થાના અલગ-અલગ લોકો મદદ કરતા હોય છે અને તેઓ પણ સહેલાઈથી આ રાખડીઓ બનાવતા હોય છે.આ વર્ષે 8 હજાર રાખડીઓ બનાવામાં આવશે...આશાબેન દેસાઈ(સંચાલક, જૈન બાલાશ્રમ)
રોજ બને છે 200 રાખડીઓઃ આ આશ્રમમાં રાખડીઓ બનાવવાનું કામ પૂર જોશમાં ચાલુ છે. વર્તમાનમાં દૈનિક 200 જેટલી રાખડીઓ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.જ્યારે આ વર્ષે અમારે 8થી 9 હજાર જેટલી રાખડીઓ તૈયાર કરવા માટેનો ઓર્ડર મળ્યો છે. આશ્રમમાં આખા વર્ષ દરમિયાન અલગ અલગ એક્ટિવિટી માટેના જે પણ પ્રોફિટ થયો હોય તેનો ઉપયોગ આ બાળકોના વિકાસમાં કરીએ છીએ. તેમજ દર વર્ષે દિવાળીમાં બાળકોને અલગ અલગ જગ્યાએ ડિનર કરવામાં આવે છે અને આશ્રમના રેગ્યુલર બાળકો હોય છે તેમને આ પ્રોફિટ વહેંચવામાં આવે છે. ગયા વર્ષે આશ્રમ દ્વારા દરેક બાળકને 5-5 હજાર રૂપિયા અપાયા હતા.